અમદાવાદઃ ગુજરાતમાં જ્યાં ઠેરઠેર વરસાદ છે, મેઘ તાંડવ જેવા દ્રશ્યો પણ અહીં જોવા મળ્યા છે ત્યારે લોકોએ જાતે જ પોતાની મદદ કરવાનું નક્કી કર્યું હોય તેમ એક બીજાની મદદ કરીને માનવતા મહેકાવી છે. ગુજરાતમાં અગાઉ પણ ઘણી સમસ્યાઓ આવી છે, કોરોના હોય કે પછી ભૂકંપ લોકોએ એક બીજાનો હાથ પકડ્યાની ઘણી ઘટનાઓ છે.
ADVERTISEMENT
લોકોએ ધસમસતા પાણીમાં કરી મદદ
આ તરફ કચ્છમાં ભારે વરસાદ ખાબક્યો છે જેને લઈને બધું જ બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ છે. કચ્છના ગાંધીધામ ખાતે આ દરમિયાનમાં લોકોની માનવતા જોવા મળી હતી. જેમાં લોકોએ ધસમસતા પાણી વચ્ચે એક બીજાને મદદ કરી હતી. કોઈ પાણીમાં ખેંચાઈ ના જાય તે માટે અહીં લોકો એક બીજાને ટેકો કરીને કે હાથ પકડીને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતા જોવા મળ્યા હતા.
લોકોએ દોરડું બાધી મુસાફરોને પણ બચાવ્યા
જામનગરના ધ્રોલ તાલુકાના રોજિયા ગામના ગ્રામજનો પણ આ ભારે વરસાદ દરમિયાન આવવા-જવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. અહીં ભારે વરસાદને કારણે ગામમાં જવાના માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. અહીં પુલ પરથી પસાર થવા માટે સ્થાનિક ગ્રામજનોએ દોરડું બાંધીને અન્ય લોકોને બચાવ્યા હતા. તેમને પાણીમાં ડૂબતા બચાવવા માટે દોરડા બાંધીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે. દોરડા બાંધીને ગ્રામજનો મુસાફરોને ડૂબતા બચાવી રહ્યા છે.
લોકોની મદદ માટે નર્મદા પોલીસે કરી આ કામગીરી
નર્મદા જિલ્લાના વડું મથક રાજપીપળા વાવડી ચોકળી પાસે એક બાવળનું વૃક્ષ ધરસાયી થતા 3 બાઇક સવારોને ઇજા પહોંચી હતી. અન્ય કોઈ વાહન ચાલકને ટ્રાફિકની સમસ્યાના નડે તે માટે નર્મદા જિલ્લા હાઇવે ટ્રાફિકની ટીમ દ્વારા જાતે ઝાડ કાપી હાઇવે ક્લિયર કરવામાં આવ્યો હતો. પોલીસે લોકોની મદદ માટે કુહાડી ઉઠાવી ઝાડ કાપવાની કામગીરી કરતા લોકોએ તે કામગીરીની ભારે સરાહના કરી છે.
લોકોએ જીવના જોખમે કરી એકબીજાની મદદ
જૂનાગઢમાં ઓઝત ડેમના પાણી છોડાતા લોકોના ઘરો વહી જાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. ગામે ગામ પાણી પાણી થઈ ગયા હતા. આ તરફ જુનાગઢમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો છે ત્યારે રસ્તાઓમાં પાણીના વહેણને જતા લોકોએ પોતાના જીવ જોખમમાં મુકીને અન્યોની મદદ કરી હતી. લોકો જીવ જોખમમાં મુકીને પણ રસ્તો ઓળંગતા, વાહનોને એક કિનારેથી બીજા કિનારા સુધી લઈ જતા જોવા મળ્યા છે.
જૂનાગઢમાં જ્યાં વરસાદ ઊભો રહેવાનું નામ લેતો નથી ત્યાં સતત વરસાદ વચ્ચે તંત્રની તરફથી કોઈ મદદ મળે તે પહેલા લોકોએ એક બીજાની મદદ કરી હતી. હાલની સ્થિતિ જોતા આ રીતે જોખમ લેવું પણ એટલું હિતાવહ ના હોવાનું જોવા મળી રહ્યું છે. શક્ય હોય ત્યાં સુધી આ પ્રકારના જોખમોને ટાળવા જરૂરી બન્યા છે.
વેરઝેર ભૂલીને માનવતા મહેકાવનારાઓની સરાહનીય કામગીરી
ઉલ્લેખનીય છે કે આ તો એ ઘટનાઓ અહીં દર્શાવાઈ છે જેના વીડિયો સામે આવ્યા છે, આ સિવાયતો ગુજરાતમાં અન્ય ઘણી ઘટનાઓ બની છે જેમાં લોકોએ એકબીજાની મદદ કરી છે. આવા કપરા સમયમાં જાતિ, ધર્મના ભેદભાવો અને રાજકીય નેતાઓએ મનમાં ઠોકી બેસાડેલા ઝેરને એક તરફ કરી એકમેકની મદદ કરનારા તે તમામની સરાહના કરવી અવશ્ય બને છે.
(ઈનપુટઃ કૌશિક કાંટેચા કચ્છ, નરેન્દ્ર પેપરવાલા, નર્મદા, દર્શન ઠક્કર, જામનગર, ભાર્ગવી જોશી, જૂનાગઢ )
ADVERTISEMENT