Gujarat Rain: લાંબા વિરામ બાદ ગુજરાતમાં ઠેરઠેર વરસાદ, અમદાવાદ, વડોદરા, સુરત સહિતના જિલ્લાઓ ભીંજાયા

Gujarat Rain: ગુજરાતમાં લાંબા સમય પછી વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, ખાસ કરીને ખેડૂતો કે જેમણે શરૂઆતના સારા વરસાદને…

gujarattak
follow google news

Gujarat Rain: ગુજરાતમાં લાંબા સમય પછી વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, ખાસ કરીને ખેડૂતો કે જેમણે શરૂઆતના સારા વરસાદને જોતા પોતાની ખેતી શરૂ કરી હતી, વાવણી શરૂ કરી દીધી હતી. જેને લઈને જ્યારે લાંબા સમયથી વરસાદ થઈ રહ્યો ન્હોતો ત્યારે તેમના મન ચિંતામાં હતા. જોકે હવે વરસાદ દરમિયાન તેમના ચહેરા હરખાઈ ગયા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા પાંચ દિવસ વરસાદી માહોલ જામશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો વરસાદથી ભીંજાય તેવી સંભાવનાઓ છે.

ઠેરઠેર ઠંડકનો અહેસાસ, વાતાવરણ ખુશનુમા

ઓગસ્ટ મહિનો આમ તો કહી શકાય કે કોરોધાકોર રહ્યો છે. જ્યારે વરસાદનો બીજો રાઉન્ડ હવે શરૂ થયો છે ત્યારે બનાસકાંઠાના દાંતા, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદના ઝાપટાને કારણે અહીં વાવ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અનુભવાતો હતો ત્યારે હવે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.

વડોદરામાં આજે ફતેગંજ, રાવપુરા, જેતલપુર, ગોરવા, સયાજીગંજ, ગોત્રી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબ્યો છે. વરસાદને કારણે અહીં તો જાણે રસ્તાઓ પર વહેતી નાની નદીઓ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. વરસાદને કારણે ખેડૂતો જાણે નવું જીવનદાન મળ્યું હોય તેવો અનુભવ કરી રહ્યા છે. અહીં જિલ્લામાં પણ ડભોઈ, જનતાનગર, નવીનગરી, નવાપુરા સહિત ઘણા વિસ્તારો ભીંજાયા છે.

પેરેંટ્સનું 3 વર્ષથી નાના બાળકને પ્રી-સ્કૂલ મોકલવું ગેરકાયદેઃ ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદમાં એક મોટા વિરામ પછી વરસાદનું આગમન થયું છે. લોકો પણ વરસાદને માણવા લાગ્યા હતા. આજે દાણીલીમડા, સી જી રોડ, પંચવટી, પાલડી, દાણીલીમડા, ઈન્કમટેક્સ સહિતના વિસ્તારો વરસાદથી ભીંજાયા છે. શાહ આલમ અને ખોડિયારનગર વિસ્તારમાં પણ વરસાદે ભારે બેટિંગ કરી છે.

સુરતમાં આજે અચાનક વાતાવરણ બદલાયું હતું. ચામડી દઝાડતા તાપ વચ્ચે કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. સાંજના સમયે સુરતના વરાછા, લીંબાયત, કતારગામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. સુરતીઓ કે જેઓ લાંબા સમયથી બફારો અનુભવી રહ્યા હતા તેઓમાં આજે ઠંડકનો માહોલ જોઈ અનેરી ખુશી જોવા મળી હતી.

    follow whatsapp