Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 04:42 PM • 23 Jul 2024સવારના 6થી બપોરના 4 વાગ્યા સુધીમાં કેટલો વરસાદ?
ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. આજે પણ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારના 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં 137 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ દ્વારકામાં પડ્યો છે. અહીં સવારના 6થી બપોરના 4 વાગ્યા સુધીમાં 143 મિમિ વરસાદ પડ્યો છે. તો નખત્રાણામાં 122 મિમિ, જામનગરના જોડિયામાં 118 મિમિ, પલસાણામાં 117 મિમિ વરસાદ નોધાયો છે.
- 04:38 PM • 23 Jul 2024CM ભૂપેન્દ્ર પટેલે કર્યું હવાઈ નિરીક્ષણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદ ગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું છે. સીએમ ભૂૂપેન્દ્ર પટેલે દ્વારકા વિસ્તારના પુર ગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું છે. મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ વડા વિકાસ સહાય અને એસીએસ પંકજ જોશી પણ જોડાયા.
- 02:30 PM • 23 Jul 2024દ્વારકામાં 15 લોકોનું રેસ્ક્યુ
દ્વારકા તાલુકા માં આજે વહેલી સવારેથી અત્યાર સુધી કુલ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય આપદા મોચન દળના જવાનો બચાવ અને રાહત કાર્યમાં જિલ્લા વહીવટી તંત્રને મદદમાં ઉતર્યા છે. જિલ્લાના ઘડેચી ગામેથી આજે બપોરે 15 વ્યક્તિના સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રના આપત્તિ વ્યવસ્થાપન તંત્રના નિયંત્રણ કક્ષને ઉક્ત બાબતે મળેલા સંદેશાને પગલે એનડીઆરએફના જવાનોની એક કુમુકને બોટ સાથે ઘડેચી ગામે રવાના કરવામાં આવી હતી. જ્યાં સીમમાં આવેલા ઘરોમાં ફસાયેલા ૬ પુરુષો, ૫ મહિલાઓ અને ચાર બાળકોને એન.ડી.આર.એફના જવાનો દ્વારા તમામને લાઇફ સેવિંગ જેકેટ પહેરાવી બોટમાં બેસાડી આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હતા.
- 01:10 PM • 23 Jul 2024અમદાવાદમાં શરૂ થયો વરસાદ
અમદાવાદના સેટેલાઈટ, સરખેજ, મકરબા, પ્રહલાદ નગર, ઇસ્કોન, પકવાન ચાર રસ્તા, આંબાવાડી સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં અમદાવાદમાં 10 ઇંચ જ વરસાદ વરસ્યો છે.
- 12:45 PM • 23 Jul 2024માણાવદરમાં 15 ઈંચ વરસાદ બાદની તારાજી
માણાવદરમાં એક જ દિવસમાં 15 ઈંચ વરસાદ નોંધાયો હતો. નદીનું પાણી કેવી રીતે ફેલાયું અને ચારે બાજુ વિનાશ સર્જી ગયું તેનો નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે. ઘુગલી નદીમાં પૂર આવ્યું હતું અને આસપાસના ગામો પાણીમાં ડૂબી ગયા હતા. નદી કાંઠાના નીચેના વિસ્તારના ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ડરામણા દ્રશ્ય છતાં ભગવાન વરૂણ દેવતા અટકવાનું નામ નથી લઈ રહ્યા. આજે પણ અવિરત વરસાદ પડી રહ્યો છે. આજે પણ જૂનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- 10:54 AM • 23 Jul 2024વલસાડની શાળા-કોલેજોમાં રજા
ગુજરાતમાં મેઘરાજા મનમૂકી વરસી રહ્યા છે. તો હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે અતિભારે વરસાદને અનુલક્ષીને સુરક્ષાના ભાગરૂપે આજે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે.
- 10:03 AM • 23 Jul 2024ઉપલેટાનો મોજ ડેમ ઓવરફ્લો
રાજકોટ : ઉપલેટાનો મોજ ડેમ ઓવરફ્લો થયો છે. મોજ ડેમમાંથી પાણી છોડાતાં ગઢાળા નજીકનો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો છે. ગઢાળાથી ઉપલેટા, ખીજળીયા, ભાયાવદર તરફ જવાનો રસ્તો બંધ થયો છે. કોઝ-વે પર પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોજ નદી ગાંડીતૂર બની છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં સતત નવા નીરની આવક થઇ છે
- 09:58 AM • 23 Jul 2024CM ભૂપેન્દ્ર પટેલ આજે કરશે હવાઈ નિરીક્ષણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા આજે બપોરે આ વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે જશે. મુખ્યમંત્રી બપોરે 3.45 કલાકે વિમાન દ્વારા જામનગર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવા જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યારબાદ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી જાત માહિતી મેળવશે.
- 09:57 AM • 23 Jul 2024Rain In Gujarat: વહેલી સવારથી કચ્છમાં ભારે વરસાદ
વહેલી સવારથી કચ્છમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. નખત્રાણા તાલુકામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ કરાયા છે. નખત્રાણા-લખપત રાજ્ય ધોરીમાર્ગ મથલ પાસે બંધ કરાયો છે. તો જડોદર પાસે નખત્રાણા નલિયા સ્ટેટ હાઈવે બંધ કરાયો છે. તાલુકામાં મોટાભાગના માર્ગો પરથી પાણી વહી રહ્યા છે. ભારે વરસાદને કારણે નદીમાં વહેતા રસ્તાઓ બંધ થઈ ગયા છે.
- 09:53 AM • 23 Jul 2024Rain Forecast in Gujarat: આજે ક્યાં વિસ્તારમાં આગાહી?
આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
- 09:49 AM • 23 Jul 2024Gujarat Rain: ઝોનવાઈઝ કેટલો નોંધાયો વરસાદ
Rain In Gujarat: ગુજરાતમાં અત્યાર સુધીમાં ખાબકેલા વરસાદની વાત કરીએ ગુજરાતમાં આ સિઝનનો સરેરાશ 44.29 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સરેરાશ 66.13 ટકા, કચ્છમાં સરેરાશ 58.40 ટકા, ઉત્તર ગુજરાત ગુજરાતમાં 24.02 ટકા, દક્ષિણ ગુજરાતમાં 50.16 ટકા, મધ્ય ગુજરાતમાં સરેરાશ 24.90 ટકા વરસાદ નોંધાયો છે.
- 09:49 AM • 23 Jul 2024Gujarat Rain: 24 કલાકમાં કેટલા તાલુકાઓમાં વરસાદ?
Gujarat Rain Live: ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો આજે પણ વહેલી સવારથી અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 168 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં નોંધાયો છે. જ્યાં ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 287 મિમિ વરસાદ ખાબક્યો છે. જ્યારે માણાવદરમાં 255 મિમિ, વિસાવદરમાં 226 મિમિ, પલસાણામાં 189 મિમિ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કેશોદમાં 187 મિમિ, બારડોલીમાં 180 મિમિ, કપરાડામાં 175 મિમિ, દ્વારકામાં 166 મિમિ, વાપીમાં 166 મિમિ, માળીયા હાટીનામાં 163 મિમિ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT