અમદાવાદઃ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના દિવસે દુનિયાભરમાં ઠેરઠેર પાર્ટીઓ થવા જઈ રહી છે. ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં પણ ઘણી પાર્ટીઝ ઓર્ગેનાઈઝ થશે તે નક્કી છે. જોકે આ બધી પાર્ટીઝમાં નશીલા પદાર્થોનું સેવન ન થાય અને યુવાધન પાર્ટીના નામે નશા તરફ વળે નહીં તે માટે પોલીસ તંત્ર સતત દોડધામમાં છે. પાર્ટીના નામે નશાખોરી થાય તે કાયદાકીય રીતે પણ અયોગ્ય છે ત્યારે અમદાવાદમાં આવા જ એક પાર્ટી ડ્રગનો જથ્થો ઝડપાયો છે. પોલીસે અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી એક લોકલ ડ્રગ પેડલરને પાર્ટી ડ્રગ કહેવાતા મેફેડ્રોન સાથે ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે પોતાના સંતાનોને જે માતા પિતા છૂટથી પાર્ટીમાં જવાની પરવાનગી આપે છે તે માતા પિતાએ સંતાનોને ડ્રગ્સના જોખમ અંગે પણ ચેતવવા જરૂરી બન્યા છે. તેમણે સંતાનોના ઉજવળ ભાવી ખાતર સંતાનોને આ પ્રકારના ડ્રગ્સથી કયા નુકસાન છે તેની સમજ આપવી પણ એટલી જ જરૂરી છે જેટલી છૂટછાટ. કારણ કે આ એક પેડલરના પકડાવાથી ડ્રગ્સનો કારોબાર પુરો થઈ જતો નથી આ નેટવર્ક ઘણું મોટું છે અને તેને મૂળથી ઉખાડવા માતા-પિતા સહિત યુવા પેઢીએ પણ આગળ આવવું પડશે.
ADVERTISEMENT
કેવી રીતે ઝડપાયો
અમદાવાદ SOGની ટીમ સતત છેલ્લા ઘણા સમયથી નશીલા પદાર્થો પર ચાંપતી નજર બનાવીને બેઠી છે. છેલ્લા ઘણા સમયથી ઘણા એવા નશાના જથ્થાઓ SOG બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. અમદાવાદ SOG દ્વારા 22.60 ગ્રામનો પાર્ટી ડ્રગ્સ એટલે કે મેફેડ્રોનનો જથ્થો ઝડપી પાડ્યો છે. 2.26 લાખની કિંમત ધરાવતા આ ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે સરખેજ રહેતા 45 વર્ષના ફિરોજખાન પઠાણને ઝડપી પાડ્યો છે. આ મામલે SOGના ASI અબ્દુલ મહોમદભાઈ, PSI એ ડી પરમાર, HC સમીર ઝહીરુદ્દીન, PC કેતનકુમાર વિનુભાઈ, ગીરીશભાઈ જેસંગભાઈ, જયપાલસિંહ અજીતસિંહ, નિકુંજકુમાર જયકિશન અને મનોજસિંહ મુકુંદસિંહ મળી આખી ટીમને જાણકારી મળી કે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક શખ્સ પાસે ડ્રગ્સનો જથ્થો છે. આ આખી ટીમ તુરંત એક્શન લઈ વેજલપુર મંસુરપાર્ક નાકે આવેલી રોયલ અકબર રેસીડેન્સી સામેને સર્વિસ રોડ પર વોચ ગોઠવી દીધી. પ્રાપ્ત માહિતી અનુસારનો વ્યક્તિ ત્યાં જોવા મળતા પોલીસે તેને અટકાવ્યો હતો. જ્યાં પોલીસે તેની પાસેથી 22.60 ગ્રામ મેફેડ્રોન જેની માર્કેટ વેલ્યૂ 2.56 લાખ થાય છે તે સાથે તેની પાસેથી મળેલી અન્ય વસ્તુઓ મળી કુલ રૂપિયા 2,57,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોતાનો ડ્રગ્સનો ખર્ચો કાઢવા વેચતો હતો મેફેડ્રોનઃ DCP જયરાજસિંહ
DCP જયરાજસિંહ વાળા કહે છે કે, SOGની ટીમને મળેલી માહિતી પ્રમાણે અમે વોચમાં હતા ત્યારે ફિરોજખાન નામના માણસ પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. 2 લાખની મત્તા મળી આવી છે તેની પાસે છે. તેની સામે એનડીપીએસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. આરોપી પોતે ડ્રગ્સ લેતો હતો જેથી તે તેનો ખર્ચો કાઢવા માટે તે પોતાના ચાર પાંચ સંપર્કમાં આવેલાઓને જ આપતો હતો. જેના મળતા પૈસાથી તે પોતાનો ખર્ચો કાઢતો હતો.
(વીથ ઈનપુટઃ ગોપી મણિયાર, અમદાવાદ)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT