ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લાબાં સમયથી રાજકીય ધમાસાણ ચાલ્યા પછી હવે આજે પરિણામનો દિવસ છે. આજે કોણ કેટલું પાણીમાં છે તે પાણી જનતાએ માપી નાખ્યું છે. મતગણતરી આજે ચાલી રહી છે જેમાં લગભગ બપોર સુધીમાં ગુજરાતની વિધાનસભા બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અત્યાર સુધીના પરિણામોમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને જ નુકસાન કર્યું હોવાનું સામે આવ્યું છે. બંનેની લડાઈમાં મતદારોની નારાજગી લગભગ કોઈ સમજી શકે તેવી સ્થિતિ જોવા મળી છે. હાલ સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે કે ગુજરાતમાં ચૂંટણી પરિણામો જાહેર થતાની સાથે જ ભાજપ આગામી સમયમાં શપથવિધિ યોજી દેવાની તૈયારીઓ કરી રહ્યું છે.
ADVERTISEMENT
વિધાનસભા બેઠકો પર સતત મતોની ગણતરી થઈ રહી છે ત્યારે આજે સવારે મત ગણતરી શરૂ કરાઈ ત્યારથી ભાજપ આગળ ચાલી રહી છે. મુખમંત્રી ભુપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક સહિતની ઘણી બેઠકો પર ભાજપ જંગી લીડ મેળવી રહી હોવાને કારણે લગભગ મોટાભાગની બેઠકો પર બહુમત સાથે જીત સ્પષ્ટ દેખાઈ રહી છે ત્યારે આગામી ટુંકા જ ગાળામાં ભાજપ શપથવિધિ યોજી દેશે તેવી જાણકારી મળી રહી છે. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ ફરી 10 કે 11 ડિસેમ્બર સુધીમાં શપથવિધિ યોજી દેશે. જ્યારે સૂત્રોનું તો ત્યાં સુધી કહેવું છે કે શપથવિધિ આ તારીખોમાં બપોરના 12.39 કલાકે યોજાશે. જોકે સૂત્રો એવું પણ જણાવે છે કે આ બંને તારીખો માટે હજુ વડાપ્રધાન મોદી અને અમિત શાહ પાસેથી નિર્ણય નક્કરતાથી મળે તેની રાહ જોવાઈ રહી છે. શક્ય છે કે તેઓ બંને પણ આ શપથવિધિમાં શામેલ થાય.
ADVERTISEMENT