Gujarat News: ગુજરાતમાં બે ઘટનાઓ એવી સામે આવી છે કે ગુજરાત પોલીસના કર્મનિષ્ઠ કર્મચારીઓ પર જ કાદવ ઉછાળી દે, જોકે અહીં લોકોએ એ પણ જોવા જેવું છે કે આ ગુનાહીત કાર્યો કરનારા પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરનારા પણ પોલીસ જ છે. એટલે કે ગુનો કરનારા પોલીસ કર્મચારીઓ કરતા કર્મનિષ્ઠ કર્મચારીઓ વધારે છે. જેથી ખોટી છબી તરફ ધ્યાન આપવા સાથે પોલીસની કામગીરી પર પણ એટલું જ ધ્યાન આપવા જેવું છે. હાલમાં આવી બે ઘટનાઓ સામે આવી રહી છે જેમાં દાહોદમાં ચીક્કાર દારુ પીને પોલીસ કોન્સ્ટેબલે જાણે કે મીડિયાને પોઝ આપતો હોય તેવી હરકતો કરી હતી. સાથે જ આ શખ્સે બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. જ્યારે અન્ય એક વલસાડની ઘટનામાં પોલીસ કર્મચારી પોતાની પત્ની સાથે જ દારુની ખેપ મારવા લાગ્યો હતો. જે 3 લાખના મુદ્દામાલ સાથે પકડાયો છે.
ADVERTISEMENT
કલેક્ટર કચેરીમાં ફરજ પરી કર્યા પછી ફાયરિંગ
દાહોદમાં એક પોલીસ કોન્સ્ટેબલ દારુના ચિક્કાર નશામાં હતો. આ કોન્સ્ટેબલનું નામ ભરત પટેલિયા હોવાનું સામે આવ્યું છે. આ શખ્સે દારુના નશામાં કલેક્ટર કચેરીના ઈવીએમ વેર હાઉસ કમ્પાઉન્ડમાં પોતાની ફરજ પૂરી કર્યા પછી ઘરે જતા વખતે હવામમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. શખ્સ એટલા નશામાં હતો અને પાછું ધડાધડ ફાયરિંગ કરવા લાગતા ત્યાં હાજર તમામ વ્યક્તિમાં નાસભાગ મચી ગઈ હતી. મામલાને લઈને ભયનું વાતાવરણ ઊભું થયું હતું. મામલા અંગે પોલીસને જાણ થતા આ શખ્સને દાહોદ બી ડિવિઝન પોલીસ ઉચકી લાવી હતી. પોલીસે તેની પાસે રહેલું હથિયાર પણ જપ્ત કરી લીધું હતું. પોલીસે જ્યારે આ શખ્સને પકડ્યો ત્યારે તે જાણે કે મોટું પરાક્રમ કર્યું હોય તેમ ચિક્કાર દારુના નશામાં મીડિયાની સામે પણ પોઝ આપવા લાગ્યો હોવાની જાણકારી સામે આવી હતી. પોલીસે તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડમાં પોલીસકર્મી બન્યો બુટલેગર
સુરતના વાવ ખાતે એસઆરપી કેમ્પનો હિતેશ ચૌહાણ નામનો પોલીસ કર્મચારી દારુની ખેપ મારતા ઝડપાયો છે. આ શખ્સ પોતાની પત્ની સાથે દારુની હેરાફેરી કરતો હતો. દારુ અને કાર સહિત તેની પાસેથી રૂપિયા 3 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે. વલસાડના પારડી ખાતેથી આ પોલીસ કર્મચારી ઝડપાયો હોવાની વિગતો સામે આવી છે. આ શખ્સ સામે પોલીસે કાર્યવાહી આરંભી છે. પોલીસ કર્મચારી જ બુટલેગર બની ગયો હોવાની વાતને લઈને ભારે ચર્ચાઓ શરૂ થઈ હતી. સાથે જ એવી પણ વાતો થઈ રહી હતી કે કોઈ જંગી દારુના જથ્થા સાથે નહીં પરંતુ માત્ર અમુક જથ્થા સાથે પકડાયેલા આ પોલીસ કર્મચારીએ પોતાની પાસે રહેલી મોંઘી દાટ કાર, પોતાની પત્નીની જીંદગી, પોતાની ખાખી વરદી અને ખુદ પોતાની આબરુ પણ સરેઆમ બદનામ કરી દીધી હતી. એવું તો કેટલું કમાઈ લેવાનો હશે આટલા અમથા જથ્થામાં કે આટલી કિંમતી બાબતોને તેણે સરેઆમ નિલામ કરી દીધી.
ADVERTISEMENT