Gujarat Politics News: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હાલ ગુજરાતમાંથી આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસને ઝટકો લાગે એવા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે, તો આજે કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે.
ADVERTISEMENT
ચિરાગ પટેલ આપી શકે છે રાજીનામું!
સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસમાં ભંગાણ સર્જાઈ શકે છે. આજે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપી શકે છે. ચિરાગ પટેલ છેલ્લા ઘણા સમયથી પાર્ટીથી નારાજ છે, જેના કારણે આજે તેઓ ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું આપી શકે છે. ચિરાગ પટેલ આજે 11 વાગ્યે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી શકે છે.
ભૂપત ભાયાણીએ આપ્યું હતું રાજીનામું
આપને જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણી અગાઉ પક્ષ પલટાની મૌસમ ખીલી છે. થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા હતા. ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. તો વિધાનસભામાં AAPનું સંખ્યાબળ ઘટીને ચાર થઈ ગયું છે.
ભાજપમાં જોડવાની કરી હતી જાહેરાત
ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ‘હું પહેલા ભાજપનો જ કાર્યકર્તા હતો, ભાજપમાં મેં 22 વર્ષ કામ કર્યું છે. ભાજપે મને ક્યારેય સસ્પેન્ડ કર્યો નથી.’
ADVERTISEMENT