વડોદરાઃ વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનું માત્ર વડોદરા કે ગુજરાત પુરતું જ નામ નથી પરંતુ વિશ્વભરમાં તેની ખ્યાતી છે, જોકે અહીંનો વહીવટ ઘણી વખતે આ છબીને ખરડવા પર આવી ગયો હોય તેવી સ્થતિ ઊભી થાય છે. અહીંની કોમર્સ ફેકલ્ટીમાં કાંઈક આવું જ થયું છે, આજથી ત્રીજા વર્ષની મીડ સેમની પરીક્ષા શરૂ થઈ છે ત્યારે 200 જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ પરીક્ષામાં બેસી શક્યા નથી અને તેનું કારણ પણ એવું ચોંકાવનારું છે કે તેમણે ફી ભરી દીધી હોવા છતાં તેમને રોલ નંબર જ આપવામાં આવ્યા નથી. હવે વિદ્યાર્થીઓને એરિયર ટેસ્ટ આપવાની ફરજ પડશે.
ADVERTISEMENT
ફી ભરી પણ રોલ નંબર ન મળ્યા
વડોદરાની મસયુનું તંત્ર ઘણી વખત એવા રેઢિયાળપણાથી કામ કરતું હોય છે કે તંત્રની બુદ્ધી ક્ષમતા પર સવાલો થવા લાગે છે. મસયુની કોમર્સ ફેકલ્ટી (commerce faculty) સામે આવા જ કેટલાક આરોપો લાગી રહ્યા છે. આજથી બીકોમની મીડ સેમની પરીક્ષા શરૂ થઈ છે. ફેકલ્ટીના મેઈન બિલ્ડીંગ, યુનિટ બિલ્ડીંગ, ગર્લ્સ કોલેજ અને બીકોમ ઓનર્સમાં પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. 7 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જોકે ફી ભરવા થતા પરીક્ષામાં રોલ નંબર એલોટ ન થયાની બુમો ઉઠી હતી. આ મામલે ફેકલ્ટીના એફઆર પંકજ જયસ્વાલ કહે છે કે, જેમને રોલ નંબર જનરેટ થયા નથી તે વિદ્યાર્થીઓએ ડીનને રજૂઆતો કરી છે, જેથી જે વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે તેમનો એરિયર ટેસ્ટ લેવામાં આવશે. અમુક કિસ્સાઓને બાદ કરતાં SYની ફી ભર્યા પછી TYના સબ્જેક્ટનું સિલેક્શન થઈ શક્યું નથી અને ફી ન ભરવામાં આવે તેવા વિદ્યાર્થીઓ પણ છે. જે મીડ સેમની પરીક્ષા આપી શકતા નથી તો તેવા વિદ્યાર્થીઓ માટે એરિયર ટેસ્ટ લેવાતી હોય છે. ઉલ્લેખનીય છે કે આવા 200થી વધારે વિદ્યાર્થીઓ છે જેમના રોલ નંબર જનરેટ થયા નથી.
લેખિત રજૂઆત કરાઈ
અહીં આપને જણાવી દઈએ કે અગાઉ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને 10 ડિસેમ્બર સુધી ફી ભરી દેવા જણાવાયું હતું. આ સમય મર્યાદાઓમાં ફી ભરવા છતા તેમાંના 200થી વધારે વિદ્યાર્થીઓના રોલ નંબર જનરેટ થયા નથી. જેના કારણે આજથી શરૂ થતી પરીક્ષામાં આ વિદ્યાર્થીઓ બેસી શક્યા નથી. તેમણે આ મામલે ડીનને રજૂઆત કરી છે. લેખિતમાં અરજી પણ આપી છે.
ADVERTISEMENT