દમણઃ ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખ અને તેના ભાઈ સામે પોલીસ ફરિયાદ થઈ છે. ભંગારના વેપારને મામલે થયેલી પોલીસ ફરિયાદમાં પોલીસે બંનેની ધરપકડ કરી છે અને સાથે જ તેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના 5 દિવસના રિમાન્ડ પણ મંજુર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના પહેલા કંપનીમાંથી માલ ઉઠાવવા અને ધંધો કરવાને મામલે થયેલી માથાકુટમાં આ ફરિયાદ નોંધાઈ હતી.
ADVERTISEMENT
30 ટકા ફી વધારો માગે છે શાળાઓ તો યુનિફોર્મ, બુક્સ પર કમિશન કેમ?- નરેશ શાહ
માલ ઉઠાવવો હોય તો હપ્તો આપવો પડશેઃ ભાજપના નેતા અને તેનો ભાઈ
દમણ ભાજપ જિલ્લા પંચાયત પ્રમુખ અને તેના ભાઈ ભાંગર વેપાર મામલે ફરિયાદ નોંધાતા નવીન પટેલ અને તેના નાનાં ભાઈ અશોક પટેલની ધરપકડ કરતા સમગ્ર દમણ, દીવ અને દાદરા નગરહવેલીના ભાજપમાં અને રાજકીય જગતમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. પ્રદેશ નાની દમણ ખાતે રહેતા એવા એક ફરિયાદી દ્વારા 11 જાન્યુઆરી-2023 ના રોજ કોસ્ટલ પોલીસ મથક કડૈયા ખાતે આવી પોતાની ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, વાપીમાં રહેતા તેમના એક પાર્ટનર સાથે તેઓ પાર્ટનરશીપમાં દલવાડાની કંપનીઓમાંથી ભંગાર ઉઠાવવાનું કામ કરતા આવ્યા છે. ત્યારે 3 મહિના અગાઉ કંપનીમાંથી માલ ઉચકવા અને ધંધો કરવા અર્થે નવીન પટેલ અને તેમનો નાનો ભાઈ અશોક પટેલે ફરિયાદી અને તેમના પાર્ટનરને દર મહિને હપ્તો આપવો પડશે એ પ્રમાણેની ધાક ધમકીઓ આપી હતી. જે બાદ ફરિયાદી દ્વારા તેમને નિયમિત હપ્તો આપી રહ્યા હતા. આ પ્રમાણેની ફરિયાદ પોલીસને મળતા પોલીસે આ અંગે આઈ.પી.સી. ની કલમ 384, 506 અને 34 હેઠળ ગુનો દાખલ કરી આ કામના આરોપી એવા દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન રમણ પટેલ (ઉં.વ. 44) તથા અશોક ઉર્ફે ઈશ્વર રમણ પટેલ (ઉં.વ. 42) (બન્ને રહેવાસી પ્રકાશ ફળિયા, દલવાડા, દમણ)ની તેમના જ વિસ્તારમાંથી ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જ્યાં પોલીસે બન્ને આરોપીઓને ગુરૂવારના રોજ કોર્ટમાં હાજર કરતાં કોર્ટે પકડાયેલા આરોપીઓના 16 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ તો, પોલીસે આ મામલે આગળની તપાસ શરૂ કરી છે. ત્યારે ભાજપ પાર્ટીના દાનહ-દમણ-દીવ પ્રદેશ ઉપાધ્યક્ષ અને જિ.પ. ના પ્રમુખ જેવા હોદ્દા પર બેઠેલા વ્યક્તિની આ પ્રમાણે હપ્તાખોરીમાં ધરપકડ થતાં પ્રદેશના રાજકારણમાં ભર ઠંડી માં ગરમાટો આવી જવા પામ્યો છે.
(વીથ ઈનપુટઃ કૌશિક જોશી, દમણ)
ADVERTISEMENT