ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠાના પાલનપુર ખાતે રહેતી એક સગીરાને થોડા સમય પહેલાં એક હવસખોર ઈસમે લલચાવી, ફોસલાવી,લગ્ન લાલચ આપીને અપહરણ કર્યું હતું. અને તે બાદ આ સગીરાને ગર્ભ રહ્યો. જેથી પીડિત સગીરાની માતાએ હાઇકોર્ટમાં ગર્ભપાતની અરજી કરી હતી. જેને સુનાવણી બાદ કોર્ટે વ્યાજબી કારણ હોઈ ગ્રાહ રાખી મંજૂરી આપી હતી.
ADVERTISEMENT
આ કેસમાં સગીરાનું અપહરણ કરી, બળાત્કાર કરી તેને ગર્ભવતી બનાવનાર પાલનપુરના આરોપી રમેશભાઈ સોલંકી વિરૂદ્ધ યુવતીની માતાની ફરિયાદ આધારે પોલીસે તપાસ બાદ તેને ઝડપીને પોકસોની કલમ હેઠળ ગત 7 જૂન 2023નાં રોજ ધરપકડ કરી હતી. યુવતી સગીર હોઇ તેની માતાને સોંપાઈ હતી. જોકે દરમ્યાન યુવતી ગર્ભવતી હોઇ તેની માતાએ સ્થાનિક એડવોકેટ મનોજ ઉપાધ્યાય દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પોતાની દીકરી સગીર અને બળાત્કાર દ્વારા ગર્ભવતી હોઇ, તેના જીવન તેમજ બાળકનું ભવિષ્ય અંધકારમય ન બને તે માટે ગર્ભપાત કરવા દાદ માંગતી અરજી કરી હતી.
હાઇકોર્ટનું નિરીક્ષણ અને આદેશ
આ કેસમાં પીડિતાની વર્તમાન સ્થિતિ, ગર્ભસ્થ બાળકનું ભવિષ્ય તેમજ જો ગર્ભપાત થાય તો યુવતીના જીવન પર કોઈ જોખમ ન ઉભુ થાય તે માટેનાં નિરીક્ષણ માટે 26 જૂન 2023 નાં રોજ ત્રણ ગાયનેક તબીબી ટીમનો રિપોર્ટ મંગાવ્યો હતો અને તે બાદ સગીરાને ન્યાયના હિતમાં ગર્ભપાત મંજૂરી આપી હતી.
એડવોકેટ મનોજ ઉપાધ્યાયની નિ:શુલ્ક સેવા
આવા વિવિધ કેસોમાં માનવીય સંવેદનાઓ સાથે જોડાયેલ એડવોકેટ મનોજ ઉપાધ્યાય અગાઉ પણ પીડિત મહિલાઓને બળાત્કાર બાદ થતાં ગર્ભને અયોગ્ય ઠેરવી હાઇકોર્ટમાં ગર્ભપાત હેતુ પિટિશન કરી ચૂક્યા છે. જેમાં અગાઉ ડીસા જલારામ મંદિર નજીક ભિક્ષુક જીવન જીવતી મુક બધિર સગીરા પર અજાણ્યા ઈસમોએ બળાત્કાર કરતાં તેને ગર્ભ રહ્યો હતો. જેની પણ પિટિશન કરી કોર્ટ પાસે ગર્ભપાત કરવા મંજૂરી માંગી હતી. જોકે હાઈકોર્ટે મેડિકલ કારણોસર તેમની અરજી નામંજૂર કરી હતી અને આ મુક બધિર સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. આ કેસમાં ભોગ બનનાર પાલનપુર નારી સુરક્ષા કેન્દ્રમાં છે. જેને હાઈકોર્ટે પાંચ લાખ વળતર પણ અપાવ્યું હતું.
ADVERTISEMENT