અમદાવાદ: ગુજરાતમાં પ્રથમવાર હાઈકોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપતા દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. સુરતમાં 23 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ થયું હતું. જે બાદ તેને 26 અઠવાડિયાનો ગર્ભ હોવાની હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ હતી. પીડિતા માનસિક રીતે અસ્થિર હોવાથી પોતાની કે બાળકની સંભાળ રાખવામાં સક્ષમ ન હોવાનું પણ કોર્ટમાં જણાવાયું હતું. આ પહેલીવાર છે જ્યારે રાજ્યમાં 26 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે.
ADVERTISEMENT
શું હતો મામલો?
સુરતમાં પીડિતાના ઘરે અવરજવર કરતા તેના પિતાના મિત્રએ એકલતાનો લાભ લઈને દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પીડિતાને ધમકી આપી હતી કે આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખીશ. જોકે દુષ્કર્મીનું પાપ છાપરે ચડીને પોકારતું હોય તેમ પીડિતા ગર્ભવતી થઈ જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ મામલે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે યુવતીનું નિવેદન પણ લીધું હતું.
યુવતીને 26 અઠવાડિયાનો ગર્ભ હતો
યુવતી ગર્ભવતી થતા પરિવારે ગર્ભપાત માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં રજૂઆત કરાઈ હતી કે પીડિતા હાલ 23 વર્ષની છે અને 26 અઠવાડિયાનો ગર્ભ છે. તે માનસિક રીતે અસ્થિર છે, તથા તેના પિતાની પણ માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ બાળકની જવાબદારી લઈ શકે તેમ નથી. આથી ગર્ભપાતની મંજૂરી માગવામાં આવી હતી. આ માટે સુરતમાંથી રિપોર્ટ મગાવાયો હતો અને મેડિકલ તપાસ બાદ ગર્ભપાતની હાઈકોર્ટે મંજૂરી આપી હતી.
ADVERTISEMENT