ધાનપુર-દેવગઢ બારીયા રૂ. 6.40 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાનો પ્રારંભ

ગોધરાઃ પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડે ધાનપુર અને દેવગઢ બારીયાના 6 ગામો ખાતે નવીન ઉદવહન સિંચાઇ યોજનાનું ખાત મુહૂર્ત કરીને પ્રારંભ કરાવ્યો હતો. જેમાં…

gujarattak
follow google news

ગોધરાઃ પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડે ધાનપુર અને દેવગઢ બારીયાના 6 ગામો ખાતે નવીન ઉદવહન સિંચાઇ યોજનાનું ખાત મુહૂર્ત કરીને પ્રારંભ કરાવ્યો હતો. જેમાં ધાનપુરના બોઘડવા, દેવગઢ બારીયાના વડભેટ, દેગાવાડા, કાળીડુંગરી, અભલોડ, મેઘામુવડી ખાતે કુલ ૬૪૦.૦૯ લાખ રૂ. ની ઉદવહન યોજનાઓનો પ્રારંભ રાજ્યમંત્રીએ કરાવ્યો છે. આ યોજનાઓ ૧૧ માસના સમયગાળામાં જ સંપન્ન કરવામાં આવશે.

વિવિધ યોજનાઓનું ઝડપી અમલીકરણઃ મંત્રી
રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, ખેડૂતો સમૃદ્ધ બને અને તેઓ ઝડપી આર્થિક વિકાસ સાધે એ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન મુજબ રાજ્ય સરકાર પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહી છે. આપણો જિલ્લો ખેતી પ્રધાન છે. જિલ્લામાં ખેડૂતો બારેમાસ ખેતી કરી શકે તો ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે. સરકાર આ માટે જરૂરી સિંચાઇની વિવિધ યોજનાઓનું ઝડપથી અમલીકરણ કરી રહી છે. ખેડૂતો ઊનાળામાં પણ પાક કરી શકે એ માટે સિંચાઇ યોજનાઓ માટે અમે પ્રયાસ કરી રહ્યાં છે.

ત્રણ વર્ષ સુધી સમારકામની જવાબદારી કોન્ટ્રાક્ટરની
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ યોજનાઓ સફળ રીતે લાગુ કરીને વીજળી, પાણી, શિક્ષણ સહિતની પાયાની બાબતો પર સારા પરિણામ લાવી શકી છે. આવાસ યોજનાઓમાં પણ જે બાકી રહી ગયા છે તેમને આવરી લેવાનો આ વર્ષે પ્રયાસ કરાશે. તેમણે એમ પણ ઉમેર્યું કે, ગામમાં ઉદવહન યોજના લાગુ થયા બાદ તેનો યોગ્ય રીતે નિભાવ કરવો પણ જરૂરી છે. ત્યારે ગ્રામ્ય સ્તરે મંડળી બનાવીને આ કામ યોગ્ય રીતે કરવું રહ્યું. કોન્ટ્રાકર પણ ત્રણ વર્ષ સુધી સમારકામની જવાબદારી રહેશે પરંતુ ત્યાર બાદ તેની જવાબદારી આપ સૌએ સુપેરે નિભાવવાની રહેશે એમ તેમણે જણાવ્યું હતું.

કેટલા વિસ્તારના લોકોને થશે ફાયદો
આ યોજનાઓની વિગતે વાત કરીએ તો કાળી ડુંગરી-ર પટેલ ફળીયા ખાતે રૂ. 1.18 કરોડના ખર્ચે યોજના સાકાર કરાશે. કુલ 54 લાભાર્થીઓને 168 એકર વિસ્તારમાં સિંચાઇ યોજનાનો લાભ મળશે. કાળી ડુંગરી હોળી ફળીયા ખાતે રૂ. 88.54 લાખના ખર્ચે યોજના સાકાર કરાશે. કુલ 78 લાભાર્થીઓને 153 એકર વિસ્તારમાં સિંચાઇ યોજનાનો લાભ મળશે. દેવગઢ બારીયાના મેઘામુવડી ખાતે ખાતે રૂ. 51.13 લાખના ખર્ચે યોજના સાકાર કરાશે. કુલ 19 લાભાર્થીઓને 96 એકર વિસ્તારમાં સિંચાઇ યોજનાનો લાભ મળશે.

અભલોડ ખાતે રૂ. 88.79 લાખના ખર્ચે યોજના સાકાર કરાશે. કુલ 60 લાભાર્થીઓને 166 એકર વિસ્તારમાં સિંચાઇ યોજનાનો લાભ મળશે. દેગાવાડા ખાતે રૂ. 98.96 લાખના ખર્ચે યોજના સાકાર કરાશે. કુલ 34 લાભાર્થીઓને 155 એકર વિસ્તારમાં સિંચાઇ યોજનાનો લાભ મળશે. વડભેટ ખાતે રૂ. 1.07 કરોડના ખર્ચે યોજના સાકાર કરાશે. કુલ 48 લાભાર્થીઓને 225 એકર વિસ્તારમાં સિંચાઇ યોજનાનો લાભ મળશે. આ વેળાએ પદાધિકારીઓ, ગામના સરપંચ, અગ્રણીઓ, કાર્યપાલક ઇજનેર, દાહોદ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(વીથ ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)

    follow whatsapp