અમદાવાદઃ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ભાવનગરમાં પણ આજે બુધવારે ઠેરઠેર અચાનક વાતાવરણ પલટાયેલું નજરે પડ્યું હતું. ઉપરાંત ખેડા, અરવલ્લી સહિત ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે ત્યારે અમદાવાદમાં પણ અચાનક આજે બુધવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ઠંડીની સિઝનમાં વરસાદ આવતા ખેડૂતો માટે પણ ચિંતાના વાદળો ઉમટ્યા છે.
ADVERTISEMENT
ખેડા, અરવલ્લી, અમદાવાદ, ડાકોર… ઠેરઠેર વાતાવરણ પલટાયું
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી જ ધીમી ધારે વરસાદ પડ્યો હતો. ઉપરાંત ખેડા, અરવલ્લી, ડાકોર, તથા અમદાવાદમાં પણ વાતાવરણ પલટાયું હતું. અમદાવાદના ઈસ્કોન, પ્રહલાદનગર, જોધપુર અને શિવરંજની વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યાના અહેવાલ સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આ વરસાદની આગાહી કરી હતી. ખેતરોમાં વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે અચાનક મોસમ વગરના વરસાદે ખેડૂતોમાં ચિંતા ઉપજાવી છે. ઠંડીની સીઝનના પાક કર્યા હતા પરંતુ વરસાદ આવી જતા ઘણા ખેતરોનો પાક પણ ઢળી પડ્યો છે.
અધિકારીઓને સર્વે કરવા કહ્યુંઃ રાઘવજી
કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થશે તે સ્વાભાવીક છે. અમે જિલ્લા ખેતીવાડી અધિકારીઓને આ અંગે સૂચનો આપ્યા છે અને જે જે વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે ત્યાં કોઈ અસર થઈ હોય તો તેની તપાસ કરીને સરકારને તત્કાલ રિપોર્ટ કરે. ખેતીવાડી નિયામકને પણ સર્વે કરવાના આદેશ કર્યા છે.
ADVERTISEMENT