ભાવનગરઃ ભાવનગર વીજ કંપનીના સ્ટોર વિભાગમાંથી 11થી 12 ટન એટલે કે અંદાજીત 12 લાખ રૂપિયાના નટ બોલ્ટનો હિસાબ નથી મળી રહ્યો. હિસાબ ના મળતા હાલ મિસ મેચ થયાનો મામલો બહાર આવ્યો અને ચકચાર મચી જવા પામી છે. આ મિસ મેચ કોના કારણે થયું છે, તેની પાછળનું કારણ શું છે, જો નોંધણીમાં ભુલ નથી તો નટ-બોલ્ટ ગયા ક્યાં? ક્યાં વપરાયા વગેરે જેવી માહિતીઓને લઇને અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. જો યોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે તો ભ્રષ્ટાચાર હોવાનું પણ સામે આવી શકે છે.
ADVERTISEMENT
G-20ની પહેલી બેઠક શરૂ, નાણાકીય સમાવેશ પર વિચારમંથન, મમતાએ કહ્યું – બંગાળની જીડીપી અનેક ગણી
નાક નીચેથી 11 ટનના નટ-બોલ્ટ સરકી ગયા
ભાવનગર પી.જી.વી.સી.એલનાં સીટી-૧ વિભાગ નીચે આવતા પી.જી.વી.સી.એલના શહેરના નવા બંદર રોડ ખાતે આવેલા સ્ટોરમાં ઇલેટ્રીકલ માલનો હિસાબ મળતો નથી અને તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ મામલે પી.જી.વી.સી.એલના સુપ્રિટેન્ડિંગ એન્જીનીયરે સ્ટોર કીપર ચિરાગ ત્રિવેદીને નોટિસ ફટકારી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્ટોર અંગેના આ મિસ મેચના મામલે જુના રેકોર્ડ મેળવીને વડી કચેરીને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે, તેમ પણ અધિકારીએ જણાવ્યું હતું.
વડોદરામાં પુત્ર-પત્નીની હત્યા પછી યુવકનો ગળાફાંસો, શેર બજારમાં દેવું કારણ
અધિકારીઓની સંડોવણીની શંકા
જોકે પીજીવીસીએલમાં ભ્રષ્ટાચાર કોઈ નવી બાબત નથી રહી, ભૂતકાળમાં પણ અર્થીંગ નાખવાથી લઈને બારોબાર સમાન સગે વગે કરવા જેવી ઘટનાઓ બની ચુકી છે. આજે વધું એક મિસ મેચની ઘટના સામે આવી છે. જેમાં પણ અધિકારીઓની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે સ્ટોરમાં રહેલી વસ્તુઓનું અધિકારી દ્વારા ચેકીંગ કરવામાં આવે છે અને સરવૈયું કરવામાં આવે છે. જેમાં 12 લાખના નટ બોલ્ટ નહીં મળતા ઉચ્ચ અધિકારી ચોંકી ઉઠ્યા હતા. આગામી સમયમાં આ ઘટનામાં પણ કોઈ સ્કેમ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. હાલ તો તપાસ ચાલુ છે તેવા જવાબ સાથે પીજીવીસીએલએ વિરમ્યું છે.
(વીથ ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT