વડોદરાઃ છેલ્લા કેટલાક સમયથી હિન્દુ સંગઠનોના નામે હલકી માનસિકતાઓ છત્તી થયા પછી નફરતના માહોલમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલમાં જ વડોદરાની વિશ્વ વિખ્યાત MSUમાં નમાઝ અદા કરતા વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતા થયા પછી હિન્દુ સંગઠનોને એવા તો કયા મામલાને લઈને નારાજગી વ્યાપી કે તેઓ દ્વારા આ સ્થાન પર હનુમાન ચાલીસા અને રામધૂન કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આવી જ ઘટનાઓ ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ બની હતી. જ્યાં વસ્ત્રાપુર ગાર્ડનમાં નમાઝ અદા કરવા પર હિન્દુ સંગઠનો નારાજ થયા અને ત્યાં ગંગાજળનો છંટકાવ કરીને તેને પવિત્ર કરવા નીકળી પડ્યા હતા. વડોદરાના એમ. છેલ્લા બે દિવસમાં એસ યુનિવર્સિટી કમ્પાઉન્ડમાં નમાઝ અદા કરવાના બે વીડિયો વાયરલ થયા છે, જેના કારણે હિંદુ સંગઠનોએ ગુસ્સો દર્શાવ્યો છે અને આજે બજરંગ દળના કાર્યકરોએ હનુમાન ચાલીસા અને રામધૂન કરી હતી.
ADVERTISEMENT
ધર્મ અને શિક્ષણ- MSU શું કરશે તેના પર મીટ મંડાઈ
આપણે ત્યાં શાળાઓમાં પ્રાર્થના કરવાનો સીલસીલો ઘણા સમયથી ચાલ્યો છે. તે પ્રાર્થના જેવી જ પવિત્ર નમાઝ પણ છે અને પ્રેયર પણ છે. જોકે આ સમજ આપણે આપણા સંતાનોમાં બાળપણથી મુકવાની જરૂર ઊભી થઈ છે અને સાથે જ ભારતીય સંવિધાનની પણ, કારણ કે છેલ્લા કેટલાક સમયથી ઘણા ધર્મ સંગઠનોના નામે નફરત ફેલાવવાનું કામ સતત થઈ રહ્યું છે જેના પર કાયદાનો ક્યાંય સકંજો જોવા મળી રહ્યો નથી. વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના બે દિવસ પહેલા એક મુસ્લિમ યુગલ એસ યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં નમાઝ અદા કરી રહ્યું હતું, જેનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ આજે ફરી એક વીડિયો વાયરલ થયો છે જેમાં બે વિદ્યાર્થીઓ નમાઝ અદા કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોનો મામલો યુનિવર્સિટીની વિજિલન્સ ટીમના ધ્યાન પર આવ્યો અને તેમણે આ બાબતનો ખુલાસો કર્યા બાદ નમાઝ અદા કરનાર દંપતીને તેમની પાસે મોકલ્યા. યુનિવર્સિટીના પીઆરઓના જણાવ્યા મુજબ હાલમાં એમ.એસ.યુનિવર્સિટીમાં પરીક્ષા ચાલી રહી છે અને આ પરીક્ષામાં વડોદરા ઉપરાંત આસપાસના જિલ્લાના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપે છે. બે દિવસ પહેલા નમાજ અદા કરનાર યુગલ એક વિદ્યાર્થીના માતા-પિતા હતા. વિજિલન્સ ટીમે તેઓને સમજાવ્યા બાદ મોકલ્યા હતા, જોકે વિજિલન્સને આમાં સમજાવવા જેવું શું લાગ્યું હશે તે એક પ્રશ્ન છે. જોકે દંપત્તિએ વિજિલન્સને કહ્યું કે તેમને ખ્યાલ ન હતો, ભુલ થઈ ગઈ. તે દંપતિએ ભૂલથી નમાઝ અદા કરી હતી અને આજે જે વીડિયો સામે આવ્યો છે તેમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. હવે સ્થિતિ એ છે કે ખરેખર યુનિવર્સિટી જો નમાઝ અદા કરનારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવા માગે છે તો ખરેખર તો અહીં યુનિવર્સિટીના પદાધિકારીઓનું પણ એક અલગથી કાઉન્સેલિંગ કરવું જરૂરી બન્યું છે. બીજી બાજુ જો યુનિવર્સિટીમાં ધાર્મિક કોઈ પણ પ્રકારની પ્રાથના કરી શકાય નહીં તેવો કોઈ નિયમ છે તો પછી નમાઝ અદા કર્યા પછી જે હિન્દુ સંગઠનોના વ્યક્તિઓએ અહીં કાર્યક્રમ કર્યા તેમનું પણ કાઉન્સેલિંગ યુનિવર્સિટી કરશે કે કેમ? મતલબ કે એક સમાનતાનો દરજ્જો અહીં યુનિવર્સિટી દ્વારા તમામ માટે સ્થાપિત કરાય તે બાબત પર હાલ સહુની મીટ મંડાયેલી છે.
(વીથ ઈનપુટઃ દિગ્વીજય પાઠક, વડોદરા)
તમારા વ્હોટ્સએપ પર અમારા સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT