શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ પંચમહાલ જિલ્લાના પવિત્ર યાત્રાધામ એવા પાવાગઢ ખાતે હજારો, લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. ત્યારે અહીં મંદિર સહિતના પવિત્ર સ્થાનકો પર ભાવિકો દ્વારા ભાવથી નાળિયેર ચઢાવામાં આવે છે. જોકે ભક્તિમાં લીન લોકો પણ જ્યાં ત્યાં કચરો નાખતા હોવાને કારણે નાળિયેરના કુચા આસપાસ નાખવામાં આવે છે. તેના કારણે ગંદકી પણ થાય છે. આ મંદિર પરિસરની આસપાસ ગંદકી ના થાય અને આ કુચાનો ઉપયોગ પણ સારી દિશામાં થાય તે સાથે વનવિભાગ દ્વારા એક નવીન પ્રયોગ હાથ ધરાયો છે.
ADVERTISEMENT
શ્રદ્ધાળુઓએ ચઢાવેલા શ્રીફળના છોતરાને સળગાવાય તેના કરતા…
પાવાગઢ ખાતે મહાકાળીના ચરણોમાં શ્રીફળ અને પ્રસાદનો ચઢાવો ચઢાવતા હોય છે. શ્રીફળના છોતરાં-કુચા ગમે ત્યાં ખુલ્લામાં નાખી દેતા હોય છે અને આ છોતરાં-કુચાની સફાઈ દરમિયાન તેને સળગાવી દેવામાં આવતા હોય છે. જંગલમાં આગ લાગવાના પણ બનાવો બનવાની શક્યતાઓ છે સાથે જ આગને કારણે થતા ધૂમાડાથી વાતાવરણ પ્રદૂષિત થવાની પણ શક્યતાઓ છે. આ આગને બુઝાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે જેમાં ફરી મોટી માત્રામાં પાણી ઈંધણ સહિતની બાબતોમાં વેડફાટ થતો હોય છે.
વન વિભાગને દૈનિક રૂ.20,000નું ભારણ ઘટ્યું
જિલ્લાના વન સંરક્ષક દ્વારા સમગ્ર બાબતનું ઘનિષ્ટ અધ્યયન કરવામાં આવ્યા બાદ એક નવતર અભિગમ શરુ કરવામાં આવ્યો છે.પાવાગઢ માંચી ખાતે બનાવવામાં આવેલા કોકોપીટ યુનિટ ખાતે લાવવામાં આવે છે અને અહીં આધુનિક મશીનો દ્વારા આ શ્રીફળના છોતરાં-કુચા માંથી કોકોપીટ (નારિયેળના કુચાનો ભૂકો) બનાવવામાં આવે છે. આ કોકોપીટનો ઉપયોગ વન વિભાગ જાતે જ જિલ્લામાં આવેલી પોતાની નર્સરીઓમાં કરે છે.પાવાગઢ ડુંગર પરથી દૈનિક ૪૦ મોટી બેગ શ્રીફળના છોતરાં-કુચા વન વિભાગ દ્વારા એકત્ર કરવામાં આવે છે અને માંચી ખાતે આવેલા કોકોપીટ યુનિટમાં લાવીને પ્રોસેસિંગ કરી તેમાંથી દૈનિક મોટી માત્રામાં કોકોપીટનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાં 1 કિલો કોકોપીટનો બજાર ભાવ 100 થી 150 છે. જેનો ઉપયોગ ખાસ કરીને ફૂલ-છોડની નર્સરીઓમાં કરવામાં આવે છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલી વન વિભાગ હસ્તકની નર્સરીઓમાં પાવાગઢ ખાતે બનાવવામાં આવેલા કોકોપીટના ભૂકાનો ઉપયોગ કરવામાં આવે છે. જેને લઈને વન વિભાગને દૈનિક અંદાજે રૂ. 20,000 નું ભારણ ઓછું થવા પામ્યું છે. તો બીજી તરફ પાવાગઢ ડુંગર ખાતે ગંદકી પણ ઓછી થવા લાગી છે. જયારે આગ લાગવાના ભયથી પણ છુટકારો મળ્યો છે. પંચમહાલના વન સંરક્ષક એમ.એલ.મીણા જણાવે છે કે, પાવાગઢ ખાતે નારિયેળના છોતરાં-કુચા જે એકત્ર થતા હતા. તેમાં કોઈ દ્વારા સળગાવવામાં આવતા હતા અને જેને લઈને ડુંગરના જંગલમાં આગ લાગતી હતી, ત્યારે અમારા દ્વારા આ સમસ્યાના નિવારણ માટે કોકોપીટ યુનિટ શરુ કરવામાં આવ્યું છે, જેમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT