શાર્દૂલ ગજ્જર.દાહોદઃ દાહોદની રામપુરા પ્રાથમિક શાળામાં ત્રીજા ધોરણની બાળકી ઉપર ગેટ પડતાં ઇજાગ્રસ્ત થયેલી બાળકીનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું છે. શાળાના તંત્રની બેદરકારી બદલ શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે એક જીવ ગયો છે છતાં તંત્ર દ્વારા હાલ માત્ર શાળાના આચાર્યને સસ્પેન્ડ કરીને સંતોષ માનવામાં આવ્યો હોવાની ચર્ચાઓએ જોર પડ્યું છે. અહીં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત બાળ કલ્યાણ સમિતિ દાહોદ દ્વારા પણ સ્થળ મુલાકાત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ગેટ વ્યવસ્થિત કંડીશનમાં છેઃ બાળ કલ્યાણ સમિતિ
બાળ કલ્યાણ સમિતિ દાહોદ દ્વારા અહીં મુલાકાત લેવામાં આવી હતી ત્યારે તેમનું કહેવું છે કે ગેટ હાલ જર્જરિત સ્થિતિમાં નથી તે વ્યવસ્થિત કંડીશનમાં છે. શાળાના શિક્ષકો સાથે વાતચિત કરી હતી. જોકે જો ગેટ વ્યવસ્થિત કંડીશનમાં છે તો પછી સવાલ એ છે કે તો પછી તે પડ્યો કેવી રીતે અને આટલા વધારે વજન સાથેનો ગેટ ક્યારેક કોઈ બાળકને ઈજા પહોંચાડી શકે છે તે બાબત પર પણ વિચાર કેમ કરવામાં આવ્યો ન હતો. સાથે જ તંત્રના કન્સ્ટ્રક્શનને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે પરંતુ હાલ તંત્રએ માત્ર આચાર્યને સસ્પેન્ડ કરીને સંતોષ માન્યો હોવાનું લોકો ચર્ચી રહ્યા છે.
બાળકીના મૃત્યુથી ગામમાં શોકનો માહોલ
દાહોદ તાલુકાના રામપુરા પ્રાથમિક શાળામાં ગત 20 ડીસેમ્બરે સાંજના સ્મયાએ ત્રીજા ધોરણમાં અભયાસ કરતી બાળકી ગેટ પાસે રમતી હતી. તે દરમિયાન મુખ્ય ગેટ વેલ્ડીંગમાંથી છૂટો થઈ બાળકી ઉપર પડ્યો હતો. જેને પગલે બાળકીને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાળકીને જોતા શાળાના શિક્ષકોએ 108 મારફતે દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ ખસેડી હતી. જોકે આ દરમિયાન સવાલ એ પણ હતો કે 108 એમ્બ્યુલન્સની રાહ જોવા કરતાં ખાનગી વાહન સાથે હોસ્પિટલ પહોંચી શકાતું હતું કે કેમ? હોસ્પિટલમાં બાળકીની હાલત વધુ નાજુક લાગતાં અમદાવાદ ખાતે વધુ સારવાર માટે લઈ જવામાં આવી હતી. ચાર દિવસની સારવાર દરમિયાન બાળકીનું નિધન થતાં પરિવારજનો સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ઘટનાને ગંભીરતાથી લઈ શાળામાં બેદરકારી રાખવા બદલ તાત્કાલિક શાળાના આચાર્ય સાવિત્રીબેન રાઠોડને ફરજ મોકૂફ કરી સમગ્ર ઘટના સંદર્ભે તપાસ હાથ ધરી છે. જોકે તપાસ બાદ કોઈ નક્કર અને સંતોષ જનક પગલા લેવાશે તેવી આશાઓ લોકો સેવી રહ્યા છે.
અમદાવાદમાં પણ બની હતી આવી ઘટના
ઉલ્લેખનીય છે કે આવી જ એક ઘટના બે ત્રણ દિવસ પહેલા અમદાવાદમાં પણ બની હતી. અમદાવાદમાં નવનિર્મિત શહેર કોટડા પોલીસ સ્ટેશનનો લોખંડનો ગેટ પડતા લગભગ ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી એક બાળકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ બનાવ પછી પણ ઈજાગ્રસ્ત અને મૃતક બાળકોના ન્યાયને લઈને માગ ઉઠી હતી.
તમારા વ્હોટ્સએપ પર અમારા સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT