સુરતઃ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાની એક 16 વર્ષની દીકરી જ્યારે અભ્યાસ કરતી હતી અને તેના પણ ઘણા સપનાઓ હતા. જોકે શિહોરના તેના જ ગામના વિકૃત અને અસામાજીક તત્વો તેની વારંવાર છેડતી કરતા હતા. હેરાન-પરેશાન થયેલી દીકરીએ આખરે અંતિમ પગલું ભરી લીધું પરંતુ છતા પોલીસની જાડી ચામડી ચીરીને તેની વેદના તેમના હૃદય સુધી પહોંચી નથી. આ મામલે તુરંત અને કડક પગલા લેવાય તેવી માગ સાથે ધારાસભ્ય કિશોર કાનાણીએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને લેખિતમાં પત્ર લખી પગલા લેવા વિનંતી કરવી પડી છે ત્યાં સુધીની નૌબત આવી ગઈ છે.
ADVERTISEMENT
સમાજમાં ઉદાહરણરૂપ દાખલો બેસે તે જરૂરીઃ કાનાણી
ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સુરકા ગામની ૧૬ વર્ષની અભ્યાસ કરતી દીકરીને ગામના વિકૃત અને અસામાજીક તત્વો દ્વારા વારંવાર છેડતી અને હેરાન-પરેશાન કરતા આત્મહત્યા કરી લીધી હતી. દીકરીને ન્યાય અપાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગ્રૂહમંત્રીને સુરતના વરાછા બેઠકના ધારાસભ્ય કિશોર કાનાણી દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમણે અહીં રજૂઆત કરતા લખ્યું છે કે, 16 વર્ષની અભ્યાસ કરતી દીકરીએ આપઘાત કર્યો, તેની પાછળનું કારણ તે ગામના વિકૃત અને અસામાજીક તત્વો તેની વારંવાર છેડતી કરતા અને હેરાન પરેશાન કરતા. તેણીની સાથે ભણતી બીજી દીકરીઓએ પણ ત્રાસ આપનાર વ્યક્તિઓ અંગે પોલીસને જુબાની આપી છે. મહિલાઓની સલામતી માટે રાજ્ય સરકાર ખુબ ગંભીર છે અને આ ઘટનામાં સંડોવાયેલા તત્વોની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી, તો આ ગુનેગારોની તાત્કાલીક ધરપકડ થાય અને તેમનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી આ દીકરીને ઝડપી ન્યાય મળે. તથા આ ગુનેગારોને સખતમાં સખત સજા થાય, સમાજમાં એક ઉદાહરણરૂપ દાખલો બેસે તે જરૂરી છે.
અવાર-નવાર આવી ઘટનાઓ બને છેઃ કાનાણી
તેમણે વધુમાં લખ્યું છે કે, આ વિસ્તારમાં આવા તત્વો દ્વારા અવાર-નવાર આવી ઘટનાઓ બને છે. તેથી સરકાર સખત હાથે કાર્યવાહી કરે અને આ નરાધમો કોર્ટમાંથી છૂટે નહીં તેના માટે જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માગણી છે.
(વીથ ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT