અમદાવાદઃ અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારની એક ડો. અર્પિત શાહની ખાનગી હોસ્પિટલમાંથી બે લાશ મળતા ચકચાર મચી ગઈ છે. હોસ્પિટલમાંથી મળેલી આ બંને લાશો માતા-પુત્રીની હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં લાશ કેવી રીતે મળી તે હાલ પ્રશ્ન ઊભા થયા છે. કારણ કે એક લાશ કબાટમાંથી મળી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી કરી રહી છે ત્યારે હોસ્પિટલના તંત્ર પર પણ શંકાઓ ઉપજી રહી છે. હોસ્પિટલના સીસીટીવીને લઈને કેટલીક વિગતો સામે આવી રહી છે કે તે થોડા સમય માટે બંધ હતા.
ADVERTISEMENT
હોસ્પિટલના કબાટમાં મળી લાશ
પ્રારંભીક ધોરણે મળી રહેલી માહિતી પ્રમાણે, અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં આવેલા ભુલાભાઈ પાર્ક પાસેની એક ખાનગી હોસ્પિટલ ડો. અર્પિત શાહ કે જે કાન, નાક, ગળાના સર્જન છે તેમની હોસ્પિટલમાંથી બે લાશ બુધવારે સવારે મળી આવી હતી. બનાવને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી. હોસ્પિટલમાં લાશ મળી અને તે કોણ છે, કેવી રીતે મૃત્યુ પામ્યા છે તે તમામ બાબતો જાણે રહસ્ય બન્યા હોય તેવી સ્થિતિએ સહુને કૂતુહલમાં મુક્યા હતા. બનાવને પગલે પોલીસ પણ તુરંત સ્થળ પર દોડી આવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે હોસ્પિટલના કબાટમાંથી જે મહિલાની લાશ મળી અને અન્ય એક યુવતીની લાશ મળી તે માતા-પુત્રી છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે કબાટમાંથી મળેલી લાશ ભારતી વાળા નામની મહિલાની છે. આ મહિલા હોસ્પિટલમાં કામ કરતા મનસુખ નામના યુવક કે જે ભારતીના પતિ લક્ષ્મણના સગામાં થાય છે તેમના સંપર્કથી અહીં સારવાર લઈ રહી હતી.
પોલીસ માટે તમામ કડીઓ શંકાસ્પદ
ભારતીના લગ્નજીવનને છ વર્ષ વિતી ચુક્યા છે પણ તે છ મહિનાથી રિસામણે હોઈ પીયર શાહવાડીમાં રહેતી હતી. આ હોસ્પિટલમાં અન્ય ત્રણ લોકો કામ કરે છે. ડોક્ટર કામ પુરું કરીને જતા રહ્યા હતા તે પછી હોસ્પિટલના સ્ટાફે કબાટમાં કોઈ વસ્તુ મુકવાની હતી ત્યારે તે ત્યાં ગયા ત્યારે જે જગ્યા પર ગેસનો બોટલ હતો ત્યાં ભારતીની લાશ હતી. સ્ટાફે ડોક્ટરને વાત કરી અને તુરંત પોલીસને આ અંગે જાણકારી આપવામાં આવી છે. ભારતીના ભાઈનું કહેવું છે કે, તેમની માતા અને બહેન એલજી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા પરંતુ અહીં કેમના આવ્યા તેની ખબર નથી. હોસ્પિટલનો સ્ટાફ, પતિ લક્ષ્મણ અને મનસુખ હાલ પોલીસની શંકા પર છે. કારણ કે ડોક્ટર અર્પિત હોસ્પિટલથી નીકળ્યા પછીના 1 કલાક માટે સીસીટીવી બંધ છે અને બાકીનો ઘટનાક્રમ તે પછી બન્યો હતો. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી તપાસના દૌર શરૂ કરી દીધા છે.
ADVERTISEMENT