બોડેલીઃ ‘માગીને ખાવું અને પાછું ગરમ ખાવું…!’ આપણે ત્યાં આવી કહેવત ઘણી વખત બોલવામાં અને સાંભળવા મળે છે, બોડેલીમાં આ કહેવતથી બંધ બેસતી એક ઘટના બની છે. બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં ભારે ચોંકાવનારી ઘટના બની છે. જેમાં એક યુવક મોંઢામાં સિગારેટ રાખીને બીજા પાસેથી રૂ.20 ઉધાર માગે છે અને જ્યારે સામે વાળો વ્યક્તિ રૂપિયા આપવાને બદલે તેના મોંઢામાં રહેલી સિગારેટ લઈને ફેંકી દે છે ત્યારે આ યુવક ગુસ્સે ભરાઈને તેની હત્યા કરી નાખે છે. એટલે કે એક તરફ ઉધારમાં રૂપિયા 20 માગવા અને તેમાં પણ મોંઢામાં સિગારેટ રાખીને. પાછું વળી ના પાડવામાં ગુસ્સો પણ આવે બોલો. પરંતુ આ ઘટનાએ કરુણ સ્થિતિ ઊભી કરી છે. ઘટનામાં ઉધાર ન આપનારે 20 રૂપિયા માટે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસે આ ઘટનામાં હત્યા કરનારને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
હાથમાં હત્યા કરેલું કટર રાખી રુદ્ર પહોંચ્યો પોલીસ સ્ટેશન
બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં આજે સરા જાહેર એક આધેડ વ્યક્તિની હત્યા કર્યાની ઘટના બની છે. બાબત એટલી નજીવી છે કે આપણને જાણીને પણ આશ્ચર્ય થાય. બન્યું એવું છે કે અહીં રુદ્ર દિનેશ બારિયા નામના યુવકે ભીખાભાઈ ચુનારા નામના વ્યક્તિની હત્યા જાહેરમાં કરી નાખી છે. મળતી માહિતી અનુસાર રુદ્રએ મોંઢામાં સિગારેટ રાખીને ભીખાભાઈ પાસે રૂપિયા 20 ઉધાર માગ્યા હતા. જોકે રુદ્રની મોંઢામાં રાખેલી સિગારેટ ભીખાભાઈએ પકડીને ફેંકી દીધી અને રૂપિયા ઉછીના આપ્યા નહીં. જેનાથી રુદ્રને ગુસ્સો આવી ગયો અને તેણે ગુસ્સામાં હાથમા રહેલું કટર ભીખાભાઈના ગળે ફેરવી દીધું હતું. જોકે તે પછી પણ રુદ્ર કટર લઈને સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોતે જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. પોલીસે તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT