અમદાવાદઃ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં યુવકની સરાજાહેર હત્યાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસના હાથે લાગ્યા છે. આ ઘટનામાં રોનક સોલંકી નામના એક 33 વર્ષના યુવકનું મોત નિપજ્યું છે. યુવક પર અહીં અચાનક પાછળના ભાગે કોઈ વ્યક્તિ દ્વારા તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાનું સીસીટીવીમાં જોઈ શકાય છે. જોકે યુવક પર આવો હુમલો કેમ કરવામાં આવ્યો છે અને કોણે કર્યો છે તે સહિતની બાબતમાં પોલીસ સતત તપાસ કરી રહી છે. પોલીસ વિવિધ લોકોના નિવેદનો નોંધવા, સીસીટીવી તપાસવા સહિત તપાસનો ધમધમાટ આગળ વધારી રહી છે.
ADVERTISEMENT
માતાએ પ્રેમથી ટિફિન બાંધી આપ્યું અને રોનક નોકરી જવા નીકળ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા ભીખીબેન સોલંકી નામના વ્યક્તિના પુત્ર 33 વર્ષિય રોનક સોલંકી રોજની માફક પરમદિવસે પણ સવારે નોકરી જવા માટે નીકળ્યો હતો. રોનક સોલંકી માટે તેની માતા ભીખી બહેને તેટલા જ પ્રેમથી ટિફિન બનાવ્યું હતું જેવું રોજ બનાવતા હતા. જોકે ભીખીબહેનને અંદાજ પણ ન હતો કે તેમનો વ્હાલો પુત્ર જીવતો પાછો નહીં આવે. તે ટિફિન લઈને ઘરેથી નીકળ્યો. દરમિયાનમાં એક વ્યક્તિ ઘરે અચાનક આવી, ભીખીબહેન ત્યારે પમ ઘરમાં રસોઈકામ કરી રહ્યા હતા. તેમની દીકરી પણ તેમની સાથે ઘરમાં હતી. આ વ્યક્તિએ માહિતી આપી કે તમારા રોનકને જમાલપુર રોડ પર કોઈ વ્યક્તિ હથિયારથી ઘા મારતા તેની હાલત ગંભીર છે અને તેને હોસ્પિટલમાં લઈ જવાયો છે. માતાનો જીવ ધ્રુજી ગયો, બહેન સાવ ચોંકી ગઈ અને તુરંત તેઓ હોસ્પિટલ જવા રવાના થયા.
પોલીસે શકમંદોને અટકમાં લીધા
તેઓ અહીંની ખાનગી હોસ્પિટલમાં ગયા જ્યાં રોનકની સારવાર ચાલતી હતી. તેઓ સતત પ્રયત્ન કરી રહ્યા હતા કે તેમના પુત્રને થયું શું છે, શા કારણે આ બધું થયું. ત્યારે ત્યાં હાજર કેટલાક લોકોએ તેમને કહ્યું કે રોનકને કોઈએ પાછળથી હથિયાર વડે ઘા માર્યા છે. જેના કારણે તે નીચે પટકાયો હતો અને ઈજાઓ થઈ હતી તેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લવાયો છે. જોકે હજુ પણ માતાને ખબર ન હતી કે કોઈ તેના પુત્રને કેમ આવી રીતે મારે? અહીં અચાનક માહિતી મળી કે રોનકના શ્વાસ થંભી ગયા છે. બનાવની જાણ થતા પોલીસ પણ તાબડતોબ દોડી આવી અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. પોલીસ તપાસમાં ઘટના સ્થળના સીસીટીવી સામે આવ્યા જેમાં કોઈ શખ્સ તેને પાછળથી તિક્ષ્ણ હથિયારના ઘા મારતું હોય તેવું દેખાયું. પોલીસે કેટલાક શકમંદોને અટકાવ્યા પણ છે. આ કેસમાં સ્થાનિક પોલીસ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે.
ADVERTISEMENT