બનાસકાંઠામાં ઉત્તરાયણે અબોલ જીવ માટે 1500 મણ લાડુ બનાવવા શ્રમયોગ

ધનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠા વાસીઓ ઉત્તરાયણ પર્વને ધર્મનો ઉત્સવ માને છે અને તેને ધર્મનો દિવસ પણ ગણતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ પરંપરાગત રીતે ઉત્તરાયણ…

gujarattak
follow google news

ધનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠા વાસીઓ ઉત્તરાયણ પર્વને ધર્મનો ઉત્સવ માને છે અને તેને ધર્મનો દિવસ પણ ગણતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ પરંપરાગત રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં જિલ્લાવાસીઓ જોડાયા છે. તમામ શહેરોમાં પશુઓ માટે લાડુ બનાવવાની નવીન પહેલની શરૂઆત થઈ ચૂકી છે. બનાસકાંઠામાં ઉત્તરાયણના પર્વને સૌથી વિશેષ મનાવવામાં આવે છે. શિયાળાની કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ રહેલા પશુઓ માટે અલગ-અલગ પ્રકારની સેવા પણ અહીંયા થઈ રહી છે તો દર વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પશુઓ માટે લાડુ બનાવવા માટે દરેક સોસાયટીઓમાં મહિલા મંડળો સખીદાતાઓ કામે લાગ્યા છે અને અહીં ઠેરઠેર ઈશ્વરનું ભજન કરતા કરતા ગરમાગરમ ઘીના લાડુ પશુઓ માટે બનાવવામાં આવી રહ્યા છે.

દર વર્ષે અંદાજિત 1500 મણ બને છે લાડુ
બનાસકાંઠા જિલ્લામાં એક અંદાજ મુજબ ૧૫૦૦ મણ થી વધારે લાડુ પાલનપુર, ડીસા સહિતના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવી રહ્યા છે. કેમકે લોકો ઉત્તરાયણને ધર્મનું ઉત્તમ પર્વ માની રહ્યા છે. ઉત્તરાયણના દિવસે લાડુ અબોલ પશુઓને આપવાની અનોખી સેવા અહીંયા પરંપરાગત રીતે આ વર્ષે પણ ઉજવવામાં આવી રહી છે અને દરેક વિસ્તારની મહિલાઓ બપોરે પોતાનો ઘરનું કામકાજ પતાવી પોતપોતાની સોસાયટીમાં નિશ્ચિત સ્થાને પહોંચે છે અને લાડુ બનાવવાની કામગીરીમાં જોતરાઈ રહી જાય છે.આ મહિલાઓ દાન પુણ્યના ભાવ સાથે ઉત્તરાયણના લાડુ બનાવવા માટે કામે લાગી છે.

વેપારી મથક ડીસામાં લાડુ બનાવવાનું કાર્ય ધમધમતું થયું
બનાસકાંઠામાં વેપારી મથક ડીસા કે જે બટાકા નગરી તરીકે ઓળખાય છે ત્યાં સૌથી વધારે ઉત્તરાયણ પર્વ નિમિત્તે લાડુ બનાવવામાં આવે છે. ડીસા એ જિલ્લાનું વેપારી હબ છે. ત્યારે ડીસાની તિરૂપતિ, પિન્કસિટી રિસાલા વિસ્તાર, શુભ સોસાયટી, ડાયમંડ સોસાયટી, જેવા અનેક વિસ્તારોમાં શ્વાન માટે લાડુ બનાવવામાં આવી રહ્યા છે. અત્યારથી લાડુની તૈયારી ચાલુ થઈ ગઈ છે. શિયાળાની ઋતુમાં જ્યારે લોકો પોષણયુક્ત ખોરાક લેતા હોય છે ત્યારે અબોલ પશુઓની ચિંતા કરવી તે પણ એક માનવ ધર્મ છે. તેમ માની ધર્મ પ્રેમી લોકો અને મહિલાઓ પોતપોતાની સોસાયટીમાંથી ઘઉં, ઘી, તેલ અને ગોળ એકઠો કરે છે તે બાદ આખી એક ટીમ લાડુ બનાવવા તૈયાર થાય છે. મહિલાઓની આ ટીમ એક ચોક્કસ સ્થળે લાડુ બનાવવાની કામગીરી શરૂ કરે છે. ઉત્તરાયણ સુધી આ ઉત્પાદિત લાડું ગલીના તેમજ મહોલ્લાના તથા શહેરના શ્વાન અને અબોલ પશુઓને ભાવથી ખવડાવવામાં આવશે. હવે ઉતરાયણ આવતા ધર્મપ્રેમી જનતા, ભાવથી બનેલા લાડુ મોજથી અબોલ પશુઓ આરોગી આશીર્વાદ વરસાવશે તેવું સ્થાનીકો માને છે.

    follow whatsapp