મોડાસાઃ ભારતીય રાષ્ટ્ર ધ્વજના અપમાનને લઈને કોઈ સંગઠનો ભાગ્યે જ આગળ આવતા જોવા મળે છે. દેશભક્તિ કેટલાકો માટે માત્ર શોર્ટ વીડિયો પુરતી રહી જતી કે દેખાડા પુરતી જ રહેતી જોવા મળતી હોય છે. આવું જ કાંઈક મોડાસાના નગરપાલિકા તંત્રમાં જોવા મળી રહ્યું છે. મોટા ઉપાડે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી દેવાયો પરંતુ તેની સાચવણી કરવામાં કોઈને રસ નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યા પછી તેના સન્માનમાં પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે જેમાં મોડાસાના તંત્રને જરા પણ રસ ન હોય તેવું લાગી રહ્યું છે.
ADVERTISEMENT
ફાટેલો રાષ્ટ્ર ધ્વજ ઉતારવામાં કોઈને રસ નહીં
મોડાસા ચાર રસ્તા પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે. આમ જુઓ તો શાનથી લહેરાતો ધ્વજ સહુને ગમે પરંતુ જ્યારે તેનું અપમાન થતું હોય અને તે પણ તંત્ર દ્વારા તો તે કેટલું ચલાવી લેવાય. મોડાસા નગરપાલિકાને રાષ્ટ્ર ધ્વજ સમય અને તેના સન્માનનું ધ્યાન રાખવું તો દૂરની વાત છે ફાટેલો રાષ્ટ્ર ધ્વજ પણ ફરકતો જોઈ ઉતારવામાં કોઈને રસ નથી તેવું દેખાય છે. મોડાસા ચાર રસ્તા પર ફરકતો આ રાષ્ટ્ર ધ્વજ કિનારીના ભાગેથી ફાટી ચુક્યો છે. હવે આ ધ્વજના અપમાન બદલ કલેક્ટર કોની સામે અને ક્યારે પગલા ભરશે તે યક્ષ પ્રશ્ન ઊભો થયો છે પરંતુ હાલ તો લોકો ઈચ્છી રહ્યા છે કે બસ ધ્વજનું અપમાન થતું અટકાવો અને વહેલાસર આ ધ્વજને સન્માન સાથે ઉતારી લો. કારણ કે કેવું થતું હશે જ્યારે કોઈ પોલીસ કે આર્મીનો જવાન કે જે દેશને ખુબ પ્રેમ કરે છે તે અહીંથી પસાર થતા આ ધ્વજ પર નજર કરતો હશે. એક બાળક જે હજુ બધું શીખી રહ્યું છે તે પણ ફાટેલો ધ્વજ ફરકાવાય કે નહીં તે પ્રશ્નો સાથે ઘરે જતો હશે. યુવાનો, કોઈ વડિલ કે જેઓ વર્ષોથી માંભોમને અવિરત પ્રેમ કરી રહ્યા છે ત્યારે તેમના મનમાં તંત્રની કામગીરીની કેવી છાપ ઊભી થઈ રહી હશે તે અચંબીત કરનારું છે.
(વીથ ઈનપુટ, હિતેશ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT