આણંદઃ અમુલે દૂધ ખરીદીના ભાવમાં આપ્યો રૂ. 20 પ્રતિ કિલો ફેટનો વધારો, પશુપાલકો આનંદો

હેતાલી શાહ.નડિયાદઃ સહકારી ધોરણે દૂધ ઉત્પાદન અને દૂધની બનાવટોના વેચાણ માટે જાણિતી અમુલ ડેરીએ પશુપાલકોને નવા વર્ષની ભેટ આપી છે. વર્ષ 2022ના અંતિમ દિવસે અમુલ…

gujarattak
follow google news

હેતાલી શાહ.નડિયાદઃ સહકારી ધોરણે દૂધ ઉત્પાદન અને દૂધની બનાવટોના વેચાણ માટે જાણિતી અમુલ ડેરીએ પશુપાલકોને નવા વર્ષની ભેટ આપી છે. વર્ષ 2022ના અંતિમ દિવસે અમુલ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં ચોથી વખત દૂધની ખરીદ કિંમતમાં વધારો આપીને પશુ પાલકો માટે ખુશીના સમાચાર આપ્યા છે.

780થી વધારી 800 રૂપિયા ભાવ અપાશે
અમુલ ડેરી આણંદ દ્વારા તારીખ 1.1.2023 એટલે કે આવતીકાલ સવારથી દૂધ ઉત્પાદકોને ચૂક્વવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20 નો વધારો કરવામાં આવ્યો છે. આમ દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 780 થી વધારી 800 આપવામાં આવશે. આ નિર્ણયને લીધે અમુલ ડેરી સાથે સંકડાયેલા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે, આ વર્ષે લીલા-સૂકા ઘાસચારમાં થયેલા ભાવ વધારાથી પશુપાલકોને ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે. જેને ધ્યાનમાં લઈ અમુલ ડેરી આણંદ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ ભેંસ દૂધના 1.24 થી 1.44 રૂપિયા પ્રતિ લિટર તેમજ ગાય દૂધમાં 0.85 થી 0.91 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરાયો છે. આમ છેલ્લા એક વર્ષ દરમ્યાન અમુલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ચૂક્વવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં 13% જેટલો અટલે કે પ્રતિકિલો ફેટે રૂપિયા 90 નો વધારો કરવામાં આવ્યો છે. તેમ આણંદ અમુલ ડેરીના ચેરમેન રામસિંહ દ્વારા જણાવ્યું છે.

જૈન તીર્થધામોની ગરિમા સાથે વિકાસના નામે ચેડા કરવા મુદ્દે VHP થયું આકરું

અમુલના ચેરમેને શું કહ્યું…
અમુલ ડેરી દ્વારા વર્ષના અંતિમ દિવસોમાં મળેલા બોર્ડ મિટિંગમાં પશુપાલકોના હિતમાં દૂધની ખરીદ કિંમતમાં ચોથી વખત વધારો કરવામાં આવ્યો હતો. આ નિર્ણય અંગે અમુલ ડેરીના ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન મંડળી લિમિટેડ (કેરા દૂધ ઉત્પાદન મંડળી) અમુલના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, ” ત્રણ જિલ્લામાંથી અમુલ ડેરીમાં દૂધ ભરતા 6 લાખ જેટલા પશુપાલક દૂધ ઉત્પાદક સભાસદોને અમુલ આગામી 1 જાન્યુઆરીથી એટલે કે આવતીકાલ નવા વર્ષની સવારથી નવો ભાવ 800 રૂપિયા ચૂકવશે, જે માં અગાઉ 780 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. જે 20 રૂપિયા પ્રતિ કિલોફેટ વધારે ચૂકવવામાં આવશે.

અમુલને 11થી 12 કરોડ રૂપિયા વધુ ચુકવવાના થશે
દૂધની ખરીદ કિંમતમાં પ્રતી કિલો ફેટ રૂપિયા 20નો વધારો થતાં પહેલા પ્રતી કિલોફેટ 780 થી વધીને નવો ભાવ 800 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવામાં આવશે. જેનાથી પ્રતિમાસ અમુલ ડેરીના વધારાનું 11 થી 12 કરોડ રૂપિયા પશુપાલકો ને વધુ ચૂકવાશે. જેનાં કારણે પશુપાલકો વધુ આર્થિક મદદ મળી રહેશે તેવી આશા ચેરમેન રામસિંહ પરમાર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. વધુમાં ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, “અમુલ ડેરી માં ગત વર્ષની સરખામણી માં દૂધની આવક માં 9 ટકાનો ઘટાડો નોંધાયો, આ વર્ષે શિયાળામાં પણ દૂધની આવકમાં ઘટાડો થતા તે અમુલ ડેરીની માટે ચિંતા નો વિષય છે, તેમ છતાં પશુપાલકોની માંગ અને જરૂરિયાતને પૂર્ણ કરવા માટે અમુલ ડેરી દ્વારા વર્ષ 2022 માં ચોથી વખત ભાવ વધારો આપવમાં આવ્યો છે.આ વર્ષની શરુઆતમાં પ્રતિ કિલો ફેટ 710 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. જે ક્રમશ વધીને 800 રૂપિયા પ્રતિ કિલો ફેટ પહોંચ્યો છે. જે વર્ષ 2022 દરમ્યાન 13 ટકાનો કુલ ખરીદ કિંમતમાં વધારો એટલે કે ચાર વખત ભાવ વધારો મળીને કુલ 90 રૂપિયાનો વધારો આપ્યો ”

રાહુલ ગાંધી વડાપ્રધાન બન્યા તો શું કરશે? તેમણે જણાવ્યા આ ત્રણ કામ..

ઘાસચારાનો ભાવ વધતા પશુપાલકો હતા ચિંતામાં
મહત્ત્વનું છેકે પશુપાલન કરતા પશુપલકોમાં સતત વધતા ઘાસ ચારાના ભાવ તે ચીંતાનો વિષય બની ગયા હતા. જે માટે અમુલ ડેરી દ્વારા દૂધની ખરીદ કિંમતમાં કરેલા ભાવ વધારાના નિર્ણયને કારણે પશુ પાલકોની આર્થિક મજબૂતી વધશે અને તેમના માટે પશુને આહાર વધુ આપવું સરળ બની રહેશે. મહત્ત્વનું છે કે આ નિર્ણય ના કારણે ભેંસના દૂધમાં પ્રતિ લીટર 1.24 થી 1.44 રૂપિયા પશુપાલકને વધુ ચૂકવવામાં આવશે જ્યારે ગાયના દૂધમાં 0.85 થી 0.91 પૈસા પ્રતિ લીટર વધુ ચુકવવામાં આવશે જેના કારણે અમુલ ડેરીમાં દૂધ ભરતા 7 લાખ કરતાં વધારે પશુપાલકોને સીધો આર્થિક ફાયદો થશે તેવી આશા અમુલ ડેરીના ચેરમેન દ્વારા વ્યકત કરવામાં આવી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp