હિરેન રવિયા.અમરેલીઃ સરકાર દ્વારા મહિલા પુરુષ સમોવડી હોવાની વાતો કરવામાં આવે છે પરંતુ હજુ અનેક એવા ગામડાઓ છે જ્યાં મહિલાઓ પર અત્યાચાર થતો હોય છે. આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બાબરા તાલુકાના ગામના ગળ કોટડી ગામની દેવીપુજક સમાજની એક મહિલાને મકાનના પિલ્લર સાથે બે મહિલાઓ દ્વારા પકડી રાખીને લાકડી વડે બેફામ માર મારી જાણે તાલિબાની સજા આપતા હોય એવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જોકે ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચતા પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરીને આરોપીઓ સામે કાયદાનો સકંજો કસ્યો છે.
ADVERTISEMENT
‘પતિના મૃત્યુ પછી બીજા લગ્ન કેમ કર્યા?’
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મહિલાએ બીજા લગ્ન કર્યા હોય એનું મન દુઃખ રાખી તાલિબાની સજા રૂપે માર માર્યો હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે ત્યારે ગઈકાલ સવારની ઘટના બાદ ગત મોડી રાત્રે બે મહિલા અને બે પુરુષ ચાર વ્યક્તિઓ સામે બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ભોગ બનનાર મહિલાને પીલ્લર સાથે પકડી રાખીને લાકડી વડે માર મારવામાં આવ્યા બાદમાં કાતરથી મહિલાના વાળ કાપી નાખવામાં આવ્યા હતા. ભોગ બનનારી મહિલાના પતિ ગુજરી જતા મહિલાએ બીજા પુરુષ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જેનું મનદુઃખ રાખી મહિલાને તાલીબાની સજા ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે બાબરા પોલીસ દ્વારા તાલિબાની સજા આપતા નરાધમોને બે મહિલાઓને પકડી પાડી હતી. જેમાં ઘુઘાબેન ખાતાના તેમજ સોનલબેન વાઘેલાની ધરપકડ કરવામાં આવી હતી.
‘મહિલાને સાસુમાએ બચાવી’- DySP
ધરપકડ થયાની વિગતો ડી.વાય.એસ.પી. જે.પી.ભંડેરીએ આપી હતી. તથા તેમણે કહ્યું હતું કે, મહિલાના પતિનું અવસાન થયું હતું, તે પછી તેમણે બીજા લગ્ન કર્યા હતા. જે પછી મહિલા પોતાના બાળકો સાથે આ ગામમાં આવ્યા હતા. ત્યારે તેમના અગાઉના પતિના બહેન, તેનો પતિ અને અન્ય કોઈ મહિલાએ ભેગા થઈને તેમને લાકડીઓથી માર માર્યો હતો. કાતરથી વાળ કાપ્યા હતા. કેમ બીજા લગ્ન કર્યા તેની દાજ રાખી હતી. ભોગબનનાર બહેનના સાસુએ વચ્ચે પડીને તેમને બચાવ્યા હતા. બહેનના પિતાને આ અંગે જાણ થતા તેમણે ફરિયાદ કરી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચાર પૈકીના બે આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને અન્યની તપાસ ચાલુ છે.
ADVERTISEMENT