અમદાવાદ: તાજેતરમાં ગુજરાતના પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોલીસના પગાર વધારાની વાત કરી હતી, જે બાદ ગ્રેડ પેનો મામલો ફરી ચર્ચામાં આવ્યો હતો. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આજે પોલીસકર્મીઓ માટે જાહેરાત કરી હતી. તેમણે ટ્વીટ કરીને પોલીસકર્મીઓ માટે રૂ.550 કરોડનું પેકેજ મંજૂર કર્યું હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરું છું.
ગૃહમંત્રીએ કહી હતી આ વાત
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે અગાઉ કહ્યું હતું કે, લોકોને ભટકાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી. આ વિષય પર મુખ્યમંત્રીએ અનેક વખત બેઠકો બોલવી હતી. અલગ અલગ વિભાગ સાથે બેસી અને સકારાત્મક થઈ શકે તે વિષય પર રાજ્ય સરકારે ચિંતન કર્યું છે અને જ્યારે આ વિષયનો સુખદ અંત નજીક પહોંચ્યો ત્યારે રાજ્યના હજારો પરિવારને જે લાભ મળવાનો હતો તે લાભ અટકાવવાની કોશિશ કરવામાં આવી કે લોકોને ભટકાવવાની કોશિશ કરવામાં આવી એ સમજવા માટે તમે સૌ લોકો ખૂબ જ સક્ષમ છો. માત્ર ગાંધીનગરના જ નહીં પરંતુ આખા ગુજરાતના પત્રકારો સારી રીતે જાણે છે. આ વિષયનો સુખદ અંત ગણતરીના દિવસોમાં આવવાનો હતો. આ સુખદ અંત રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો . શું ગુજરાતમાં આ પ્રકારની રાજનીતી ક્યારે પણ જોઈ છે? રક્ષાબંધન પર એવો કેવો ભાય હશે જે પોતાની બહેનોને મળતો લાભ રાજકીય લાભ માટે લાલચ માટે રોકવાનો પ્રયાસ કરે? અમે આવા વિષયમાં કોઈ રાજનીતિ કરવા નથી માંગતા. મુખ્યમંત્રીએ દરેક માંગણી પર પોતે સામે આપી કોઈ પણ પ્રકારનો રાજકીય લાભ નથી લીધો. માંગણી યોગ્ય હોય તો લાભ કઈ રીતે આપી શકાય તે અંગે ચિંતન કર્યું છે.
કેજરીવાલે શું જાહેરાત કરી હતી?
કેજરીવાલે ગુજરાત પોલીસને સંબોધીને કહ્યું હતું કે, હાલ પોલીસકર્મીને 20-20 હજાર પગાર મળે છે. આટલા પગારમાં પોલીસકર્મી ઘર કેવી રીતે ચલાવશે? સમગ્ર દેશમાં ગુજરાતની પોલીસને સૌથી ઓછો પગાર મળે છે. અમારી સરકાર આવશે તો સમગ્ર દેશમાં સૌથી વધુ પગાર મળે છે તે ગુજરાતમાં લાગુ કરીશું. પોલીસને પૂરો પગાર અપાવીશું. તેમના કામની સ્થિતિને સુધારીશું.
ADVERTISEMENT