Gandhinagar News: હાલ રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની ગેરહાજરીનો મુદ્દો સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની હાજરી કરતાં ગેરહાજરી વધુ જોવા મળી રહી છે. સ્થિતિ એવી છે કે ઘણા મહિનાઓથી શિક્ષકો શાળામાં આવ્યા નથી પરંતુ તેમને તેમનો પૂરો પગાર મળી રહ્યો છે. એમાં પણ ગાંધીનગરમાં શિક્ષકો પર નજર રાખવા માટે લાખોની કિંમતનો મોનિટરિંગ રૂમ બનાવવામાં આવ્યો છે છતાં તેનો કોઈ ફાયદો જણાય રહ્યો નથી.
ADVERTISEMENT
17 જિલ્લામાંથી શિક્ષકો ગાયબ
આ મામલો ગુજરાતની એક-બે નહીં પણ ડઝનેક શાળાઓનો છે. 17 જિલ્લાના 63 થી વધુ શિક્ષકો લાંબી રજા પર છે અને તેઓને દર મહિને પૂરો પગાર મળી રહ્યો છે. આટલું જ નહીં, 31 શિક્ષકો રજાની પરવાનગી લીધા વિના મહિનાઓથી શાળામાં આવતા નથી. ગુજરાતની આ સરકારી શાળાઓ ભગવાનના ભરોસે ચાલે છે તેવું લાગી રહ્યું છે.
અમદાવાદ શહેર-જિલ્લાના 11 શિક્ષકો વિદેશ જતા રહ્યા
શિક્ષણ વિભાગની સૂચના બાદ અમદાવાદની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદના 14 શિક્ષકો લાંબા સમયથી રજા પર હોવાનું સામે આવ્યું. અમદાવાદ ગ્રામ્યના 8 શિક્ષકો અને 2 કર્મચારીઓ લાંબા સમયથી રજા પર છે. તો અમદાવાદ શહેરના 3 શિક્ષકો લાંબી રજા લઇ વિદેશ જતા રહ્યા છે. અમદાવાદ જિલ્લાના 8 પૈકી 7 શિક્ષક હાલ વિદેશમાં છે. 7 શિક્ષક 9 મહિના કરતા વધુ સમયથી ગેરહાજર રહ્યા હોવાનું આવ્યું સામે છે. બે શિક્ષકોની રાજીનામા અંગે કાર્યવાહી થઈ રહી છે. TPO મારફતે જાણ કરાતા શિક્ષકોએ રાજીનામું મોકલી આપ્યું છે. જેથી હાલમાં રાજીનામું મંજૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
કંટ્રોલ અને કમાન્ડ સેન્ટર પર ઉઠેલા પ્રશ્નો
નવાઈની વાત એ છે કે ગુજરાત સરકારે સરકારી શિક્ષકો પર નજર રાખવા માટે કંટ્રોલરૂમ બનાવ્યો છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં રૂ. 2 લાખ 4 હજારના ખર્ચે કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં રાજ્યના ટોચના 50 શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, જેનું કામ સરકારી શાળાઓ પર દેખરેખ રાખવાનું છે. શિક્ષકોની રજા યાદી જોયા બાદ હવે કંટ્રોલ સેન્ટર પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
શિક્ષકની અછતનો મુદ્દો
ગુજરાતમાં અવારનવાર એવા અહેવાલો આવે છે કે રાજ્યમાં શિક્ષકોની અછત છે. સરકારી શાળાઓમાં શિક્ષકોના અભાવે બાળકો અભ્યાસ કરી શકતા નથી. ઘણી શાળાઓમાં એક જ શિક્ષક છે. પરંતુ હવે જે વાત સામે આવી છે તેનાથી વહીવટીતંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. હવે વહીવટીતંત્ર આ શિક્ષકો સામે કડક કાર્યવાહી કરશે તેવી અપેક્ષા છે.
કર્મચારીઓ માટે બનાવાશે નવા નિયમોઃ સૂત્રો
ગુજરાત સરકાર માંદગી, અંગત કારણો સહિતના કિસ્સાઓમાં લાંબા સમયગાળા માટે રજા પર ઉતરનારા કર્મચારીઓ માટે આ નવા નિયમો લાગુ થશે. શિક્ષણ વિભાગમાં શિક્ષકોની લાલિયાવાડી સામે આવતા જ આવા કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી હોવાનું પણ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT