Special Drive Against Usurers : રાજ્યમાં વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારે ખાસ ડ્રાઇવ શરૂ કરી છે. વ્યાજખોરો પર લગામ કસવા ગુજરાત પોલીસે કડક કાર્યવાહી કરી છે. તા.21 જૂન 2024થી રાજ્યના તમામ શહેર-જિલ્લામાં નાણાં ધીરધાર અધિનિયમ-2011 હેઠળ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરાઈ છે. આ સ્પેશિયલ ડ્રાઇવ તા.31 જુલાઈ 2024 સુધી ચાલશે. ડ્રાઈવ દરમિયાન 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ કરાઈ ચૂકી છે. તો આ ડ્રાઇવ દરમિયાન રાજ્યભરમાં યોજાયેલા 568 લોક દરબારમાં 32 હજારથી વધુ નાગરિકો જોડાયા છે. તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
ડાયરીથી વ્યાજે રૂપિયા આપનારા સામે કાર્યવાહી
સ્પેશિયલ ડ્રાઈવ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ગયા વર્ષે 841 કેસ કરાયા હતા જેના આરોપી પણ પકડાયા છે. જ્યારે આ વર્ષે સરકારનું ફોકસ 1 થી 5 લાખ સુધીની ડાયરીથી વ્યાજે આપેલી રકમ પર છે. જેના માટે 10 દિવસમાં 134 ફરીયાદ દાખલ થઈ ચૂકી છે. જેમાં 226 લોકો પકડાયા છે.
વ્યાજખોરીના ચક્રમાં ફસાયેલા લોકોને સરકાર આપશે લોન
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, વ્યોજખોરોથી ત્રાસ પામેલા પરિવારને સરકારની યોજના થકી લોન અપાશે. આ અભિયાન આગામી 2થી 3 મહિના સુધી ચાલશે. આ કામગીરી હેઠળ ખંભાતમાં 80 હજાર નાણાં સામે વ્યાજ સહિત 2.93 લાખ રૂપિયા વસુલ્યા હોય તે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઇ છે.
વ્યાજ વગર રૂપિયા આપેલ વ્યક્તિ ફસાઈ ન જાય તે મહત્વનું
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, કોઇએ ભલમનસાઇથી રૂપિયા આપ્યા હોય અને વ્યાજ પણ ન લેતો હોય અને રૂપિયા પાછા માંગતો હોય તો તેની સામે કોઇ ફરીયાદ ન થાય તે પણ મહત્વનું છે. કારણ કે કોઇ મદદ કરનાર વ્યક્તિ હેરાન ન થાય તે પણ એટલું જ મહત્વનું છે.
226 વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ
રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં અત્યાર સુધીમાં 134 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં 226 આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે. પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યાં છે તો અનેકને પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે. અનધિકૃત એકપણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે.
568 લોકદરબારમાં 32 હજારથી વધુ નાગરિકો જોડાયા
તા.21મી જુનથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં યોજાયેલા 568 લોકદરબારમાં 32 હજારથી વધુ નાગરિકો જોડાયા છે. આ લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. આ લોકદરબારમાં પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી છે અને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે.
મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની પોલીસને સ્પષ્ટ સુચના
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે, આ ડ્રાઇવનો ઉદ્દેશ માત્ર ફરિયાદોની સંખ્યા કરવાનો નથી. પરંતુ ગ્રાહ્ય ફરિયાદોને જ નોંધવામાં આવે અને તેના આધારે કડકપણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે જે અરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણા પડાવ્યા હોય તે નાણા પણ પરત અપાવવાનો અભિગમ છે.
લોન ધિરાણ અપાવવામાં સહાયતા માટે કેમ્પનું આયોજન
દેશમાં કેન્દ્ર સરકાર જનસામાન્ય માટે અનેક ઉપયોગી યોજનાઓ ચલાવે છે. નાણાં ધીરધાર કરનારાઓ આવી જ જાગૃતિના અભાવનો ફાયદો ઉઠાવે છે. લઘુથી માંડીને મોટા વેપાર માટે પણ કેન્દ્ર સરકારની સ્વનિધિ કે મુદ્રા યોજનામાં સાવ નજીવા દરે અને સબસિડીના લાભ સાથે નાણાં આપવામાં આવે છે પરંતુ જાણકારીના અભાવે લોકો વ્યાજખોરો પાસેથી નાણાં લે છે. તેથી સામાન્ય પ્રજાને લોન-ધિરાણ મેળવવામાં મદદરૂપ થવા માટે રાષ્ટ્રીયકૃત બેન્કો અને સહકારી બેન્કોના પ્રતિનિધીઓ તથા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીશ્રીઓ તથા જીલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતાં અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધીઓ સાથે સંકલન કરી લોન ધિરાણ અપાવવામાં સહાયતા માટે કેમ્પનું આયોજન કરવાનું પણ નક્કી કરાયું છે.
ADVERTISEMENT