Bhavnagar News: રાજ્યમંત્રી અને ભાવનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની કાર પર પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે દિવ્યેશ સોલંકીના ડ્રાઈવરની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. જોકે, જે સ્થળે વર્ષો પહેલા પિતા પરસોત્તમ સોલંકી ઉપર હુમલો થયો હતો, તે જ સ્થળે પુત્ર દિવ્યેશ સોલંકીની કાર પર હુમલો થતાં ભાવનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ADVERTISEMENT
દિવ્યેશ સોલંકીની કાર પર પથ્થરમારો
આ મામલે ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદ અનુસાર, આ પથ્થરમારાની ઘટના 30 માર્ચે 2024ની મોડી રાતે બની હતી. જેમાં હું દિવ્યેશભાઈ સોલંકી અને બુધેશભાઈ જાંબુયા ગાડી (GJ18 EB 2528) લઈને પીથલપુર (કુકડ) ખાતે રામાપીરના આખ્યાનમાં હાજરી આપીને ભાવનગર પરત ફરી રહ્યા હતા હતા. આ દરમિયાન પીથલપુર ગામની પ્રાથમિક સ્કૂલ પાસે ગાડી પર પથ્થર ફેકવામાં આવ્યા હતા. જોકે, આ પથ્થરમારાની ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી, ગાડીને થોડું નુકસાન થયું હતું.
ત્રણ શખ્સો ભાગતા જોવા મળ્યાઃ ડ્રાઈવર
ડ્રાઈવરના જણાવ્યા અનુસાર, પીથલપુર ગામે જ્યારે ગાડી પર પથ્થરમારો થયો ત્યારે અમે ગાડી ઉભી રાખી હતી અને બધા ગાડીમાંથી નીચે ઉતર્યા હતા. બાદમાં અમારી સાથે હાજર અન્ય ગાડીઓ પણ ઉભી રાખી દેવામાં આવી હતી. રાતનો સમય હોવાથી અંધારાના કારણે મોબાઈલની ફ્લેસ અને ગાડીની લાઈટથી તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન અમને ત્રણ લોકો ભાગતા જોવા મળ્યા હતા.
પોલીસે તપાસ શરૂ કરી
આપને જણાવી દઈએ કે, હાલ પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીના ડ્રાઈવરની ફરિયાદના આધારે ઘોઘા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ આ પથ્થરમારો કોણે કર્યો અને શા માટે કરવામાં આવ્યો તેની પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT