Gandhinagar News: ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. ભારે વરસાદના કારણે પાકની નુકશાની પર ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. કૃષિ મંત્રી દ્વારા જાણકારી આપવામાં આવી છે કે રાહત પેકેજ માટે ખેડૂતોને 350 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે.
ADVERTISEMENT
કૃષિ વિભાગની મહત્વની જાહેરાત
કૃષિ વિભાગ દ્વારા રાજ્યનાં 9 જીલ્લાનાં 45 તાલુકામાં આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં SDRF ના નિયમ પ્રમાણે 33 ટકાથી વધુ નુકશાન હોય તેવા આશરે 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે.
રાજ્ય સરકારે નિયત કરેલા ધોરણો:
(૧) ખરીફ ૨૦૨૪-૨૫ ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ.8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. 2,500 સહાય મળી કુલ રૂ. 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
(૨) વર્ષાયુ અથવા પિયત પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. 17,000 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. 5,000 સહાય મળી કુલ રૂ. 22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
(૩) બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. 22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
કૃષિમંત્રીએ વધુમાં જણાવ્યું કે, નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 2 જુલાઇ, 2024 ના રોજ વંટોળ સાથે વરસેલા ભારે વરસાદને કારણે ચીકુ અને આંબા જેવા બાગાયતી પાકોના ઝાડ પડી જવા, ડાળીઓ તૂટી જવા તેમજ કેળ પાક પડી જવાથી વ્યાપક નુકસાન થવાના અહેવાલો પણ મળ્યા છે. આવા અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક નુકશાન ન થાય તે માટે નોંધપાત્ર સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂ. 3,500 કરતાં ઓછી થતી હોય, તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ. 3500 ચૂકવવામાં આવશે. જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે.
કેવી રીતે મળશે સહાય?
અત્રે નોંધનીય છે કે, ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માટે નિયતનમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે.
ADVERTISEMENT