Ganadhinagar News: ગુજરાત સરકારે દિવાળી પહેલા જેલ કર્મચારીઓનો મોટી ભેટ આપી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે જેલ કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો છે. સરકારે જેલ સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાણકારી આપવામાં આવી છે.
ADVERTISEMENT
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી જાણકારી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે, જેલ પરિવારોના ઘરે આનંદનો દીપ પ્રજ્વલિત કરતી રાજ્ય સરકાર!, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં વધારો કરીને તેમના ઘરે દિવાળી પર્વમાં આનંદનો આવકાર થાય તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.વર્ગ-3ના કર્મચારીઓ માટે જે તા.29.08.2022થી મંજૂર થયેલ તેજ ધોરણે તે તારીખથી લાભ આપવામાં આવશે.
જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં વધારો
હર્ષ સંઘવીએ લખ્યું છે કે, જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં આ મુજબનો વધારો લાગુ થશે.(1)જેલ સહાયક – રૂ.3500/- , અગાઉ ન હતું, (2) સિપાઈ – રૂ.4000/-, અગાઉ 60 રૂપિયા હતું, (3) હવાલદાર – રૂ.4500/-, અગાઉ 60 રૂપિયા હતું અને (4) સુબેદાર – રૂ.5000/- અગાઉ 60 રૂપિયા હતું. ફીક્સ પગારના જેલ સહાયકોને રૂ.150/- લેખે જાહેર રજાના દિવસે ચૂકવાતા વળતરમાં વધારો કરીને રૂ.665/- રજા પગાર ચુકવવામાં આવશે.
વોશીંગ અલાઉન્સમાં વધારો
તેમણે વધુમાં લખ્યું છે કે, જેલ પ્રભાગના વર્ગ-3ના કર્મચારીઓને વોશીંગ અલાઉન્સ પેટે ચુકવવામાં આવતા રૂ.25/-માં વધારો કરીને રૂ.500/- ચુકવવામાં આવશે. દિવાળી પર જેલ પરિવારના દરેક સદસ્યના ચહેરા પર પ્રસન્નતા અને સંતોષનું સ્મિત આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
છેલ્લા ઘણા સમયથી કરાઈ રહી હતી માંગ
મહત્વનું છે કે, જેલ સિપાઈ વર્ગ-3ના તમામ કર્મચારીઓને પોલીસ કર્મચારી જેટલું જ વેતન અને ભથ્થું આપવાની માંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. ત્યારે હવે દિવાળીના એક દિવસ પહેલા સરકારે જેલ કર્મચારીના ભથ્થામાં વધારો કરીને કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે.
ADVERTISEMENT