જૂનાગઢ બિલ્ડિંગ ધરાશાયીના મૃતકોને 4 લાખની સહાય જાહેર કરતી ગુજરાત સરકાર: લોકોએ કહ્યું ‘અલ્યા ફરી 4 લાખ?’

ગાંધીનગર: જૂનાગઢમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગયાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. હાલમાં જ ભારે વરસાદ વરસ્યો હતો તે દરમિયાનમાં આ મામલામાં ઈમારત પડી…

gujarattak
follow google news

ગાંધીનગર: જૂનાગઢમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગયાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. હાલમાં જ ભારે વરસાદ વરસ્યો હતો તે દરમિયાનમાં આ મામલામાં ઈમારત પડી જતા તેની નીચે ચાર વ્યક્તિ દટાઈ ગયા હતા. જેમાં ચારેય વ્યક્તિના મૃત્યુ નિપજ્યાની માહિતી સામે આવતા સહુ કોઈ દુખી થયા હતા. લગભગ સાત કલાકથી વધારે સમયથી આ ઈમારત ખાતે રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું પરંતુ અહીં એક પણ વ્યક્તિને બચાવી શકાયા ન્હોતા. જોકે કામગીરી દરમિયાન ધારાસભ્ય અને કમિશનર વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. દરમિયાનમાં જ્યાં એક પણ જીવ બચાવી ના શકેલું સરકારી તંત્ર મૃતકો માટે સહાય જાહેર કરી રહ્યું છે. જેને લઈને સોશ્યલ મીડિયામાં ક્યાંક નારાજગી તો ક્યાંક દુખની લાગણી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જૂનાગઢના દાતાર રોડ પર આવેલા કડિયાવાડ નજીક એક ત્રણ માળનું મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર વ્યક્તિ દટાયા હોવાની આશંકા હતી. જેને પગલે લોકોમાં રીતસર અપરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય સંજય કોરડિયા પણ અહીં આવી પહોંચ્યા હતા. કાટમાળને હટાવવામાં સ્થળ પર વિલંબ થઈ રહ્યો હતો. જેસીબી ચાલક સહિત સ્થળ પર હાજર મનપાના કમિશરને પણ સંજય કોરડિયાએ આડેહાથ લઈ લીધા હતા. બંને વચ્ચે સ્થળ પરની રેસ્ક્યુની કામગીરીને લઈને બોલાચાલી થઈ ગઈ હતી. ધારાસભ્યએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે તમે જલસા કરો અમે કામગીરી સંભાળી લઈશું. મામલો એવો બીચક્યો હતો કે આખરે સ્થળ પર કલેક્ટર પણ આવી ગયા હતા અને તેમણે મધ્યસ્થી કરીને ધારાસભ્યને પાછા વાળ્યા હતા. જોકે સમગ્ર મામલાને લઈને કમિશનરે બોલવાનું ટાળ્યું છે. તેમણે મૌનને સાથી બનાવ્યું છે.

લોકોએ સરકારને કર્યા આવા રિપ્લાય
આ તરફ સમગ્ર ઘટનાને લઈને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પરંતુ એક પણ જીવ બચી શક્યો ન્હોતો. સાંજ સુધીમાં એક પછી એક ચાર વ્યક્તિ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. દરમિયાનમાં ગુજરાત સરકાર દ્વારા તમામ મૃતકો માટે 4 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત અંગે સીએમઓ ગુજરાત દ્વારા પોતાના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પરથી લોકોને જાણકારી આપવામાં આવી હતી. જેને લઈને લોકો એ ત્યાં જ રિપ્લાય આપવાના શરૂ કરી દીધા હતા. એક યુઝરે લખ્યું કે વળી પાછી 4 લાખની સહાય? અન્ય એક યુઝરે વીડિયો સાથે લખ્યું કે, આ sec 28 ગાંધીનગરમાં આવેલું હાઉસિંગનું બિલ્ડિંગ છે, જે જર્જરિત છે 11 પરિવાર રહે છે એમાં, કાલે એ પડી જાય તો અફસોસ કરીને 4 લાખમાં જિંદગીના સોદા ના કરતા, શક્ય હોય તો એ પહેલાં ઉતરાવી લેજો. બીજા એક યુઝરે લખ્યું કે, જુનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકા સંચાલિત બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોય દુકાનદારો ઓફિસ ધારકો દ્વારા સહમતી આપી રજૂઆત કરવા છતાં કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. કેશોદ નગરપાલિકા હસ્તકની આવી જર્જરિત હાલતમાં ચાર બિલ્ડીંગ છે. બીજા એક યુઝરે લખ્યું કે આ રકમ કોર્પોરેશનના કર્મચારીઓના પગાર, સાંસદ કે ધારાસભ્યના પગારમાંથી ચુકવવામાં આવે અમારા ટેક્સના રૂપિયામાંથી નહીં.

    follow whatsapp