ગોધરાઃ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકોના 14 જિલ્લાઓ પર મતદાન થવાનું છે. 5 ડિસેમ્બરની સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થવાનું છે. તો તે સમય દરમિયાન પોતાની જવાબદારી સમજી મતદાન અવશ્ય કરજો તેવી અપીલ ગુજરાત તક તો કરી જ રહ્યું છે પરંતુ સાથે જ આપણા સહુના વડીલ મતદારો દ્વારા પણ યુવાનોને મતદાન અવશ્ય કરવાની અપીલ કરાઈ રહી છે. ગોધરામાં 106 વર્ષના દાદીએ મતદાન કર્યું ત્યારે પણ તેમણે કહ્યું કે, જુવાનીયાઓ મતદાન જરૂરથી કરજો. હું આટલા વર્ષ થયા તો પણ એક વખત મતદાન કરવાનું ભુલી નથી.
ADVERTISEMENT
5412 વડીલ મતદારો છે
આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ગોધરાના 106 વર્ષના લક્ષ્મીબેન પન્નાલાલ મારવાડીએ મતદાન કર્યું છે. તેમણે કહ્યું છે કે અમે તો ઘરડા થઈ ગયા છીએ. હવે યુવાનોએ મત આપવો જોઈએ. અત્યાર સુધી મેં બધી ચૂંટણીમાં મતદાન કર્યું છે. આપ પણ મતદાન જરૂર કરો. પોતાના દિકરાનો હાથ પકડીને મતદાન કરવા માટે ગોધરાના આરએનબી વિભાગમાં પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 2,51,58,730 મતદારો છે. જે પૈકીના 1,29,26,501 પુરૂષ મતદારો, 1,22,31,335 મહિલા મતદારો અને 894 ત્રીજી જાતિના મતદારો છે. તેમાંથી સાવ નાની વયના મતલબ કે 18થી 19 વર્ષની ઉંમર ધરાવતા મતદારોની સંખ્યા 5,96,323 છે. જ્યારે 99 વર્ષથી વધુની ઉંમર ધરાવતા વડીલ મતદારોની સંખ્યા 5412 છે. સેવા મતદારોની કુલ સંખ્યા 18271 છે, જ્યારે એનઆરઆઈ મતદારોની સંખ્યા કુલ 660 છે.
(વીથ ઈનપુટઃ શાર્દુલ ગજ્જર, ગોધરા)
ADVERTISEMENT