અમદાવાદઃ ગુજરાત વિધાનસભા અને દિલ્હીમાં નગર નિગમની ચૂંટણીની જાહેરાત એક પછી એક થઈ ગઈ છે. હવે આ બંને ચૂંટણી વચ્ચે અન્ય પાર્ટીઓના નેતાઓ કરતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દોડાદોડ વધી જવાની છે તે પાક્કું છે. બંને ચૂંટણીઓની તારીખો પર નજર કરીએ તો લાગે કે કેજરીવાલ જબ્બર ફસાયા છે. જેના કારણે બંનેમાંથી વધુ ન્યાય ક્યાં આપવો તે તેમના માટે સમયની મારામારી જેવું બની રહેશે તે નક્કી છે. ચાલો આપણે આ અંગે વધુ વાત કરીએ.
ADVERTISEMENT
બંને ચૂંટણીઓની તારીખો એક બીજાની નજીક
આપને ખ્યાલ હશે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં થવાની છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું 5 ડિસેમ્બરે છે. આવી જ રીતે આજે શુક્રવારે ઈલેક્શન કમિશને જાહેર કર્યા પ્રમાણે દિલ્હીમાં નગર નિગમ (MCD)ની ચૂંટણીમાં વોટિંગ 4 ડિસેમ્બરે થશે. મતલબ કે બુથ લેવલના કામ કરવા અને ચૂંટણી કેમ્પેઈનિંગ કરવા ઉપરાંત પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સાથે સતત સંપર્ક બનાવી રાખવા વગેરે માટે હવે કેજરીવાલને બંને તરફી સમયની મારામારી રહેશે તે નક્કી છે. બીજી બાજુ ચૂંટણીના પરિણામોની તારીખ અંગે વાત કરીએ તો 7 ડિસેમ્બરે દિલ્હીની એમસીડીની ચૂંટણીના પરિણામો આવશે. જ્યારે આ તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો તેના બીજા દિવસે એટલે કે 8 ડિસેમ્બરે જાહેર થવાના છે.
દિલ્હી અને ગુજરાતની ચૂંટણીના ગણિત
દિલ્હી નગર નિગમ પર ભાજપની પક્કડ છે, આ તરફ ગુજરાત પર પણ 27 વર્ષથી ભાજપનું શાસન છે. મતદારો માટે અહીં ભાજપ અગાઉથી જ પહેલી પસંદ છે જેમાં આમ આદમી પાર્ટીએ સત્તા પોતાની બાજુ કરવાની લડાઈ લડવાની છે. તમને જણાવી દઈએ કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 250 સીટો છે. તેમાંથી 42 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અનામત રાખવામાં આવી છે. જ્યારે 50 ટકા બેઠકો મહિલાઓ માટે પણ અનામત રહેશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડના સીમાંકન બાદ કેન્દ્ર સરકારે 18 ઓક્ટોબરે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. અગાઉ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 272 સીટો હતી. અગાઉ ઉત્તર અને દક્ષિણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 104-104 કાઉન્સિલરની બેઠકો હતી, જ્યારે પૂર્વ દિલ્હીમાં 64 બેઠકો હતી, પરંતુ એકીકરણ અને સીમાંકન પછી, ત્યાં 250 બેઠકો છે. દિલ્હીની 21 વિધાનસભા મતવિસ્તારમાં એક વોર્ડ ઘટ્યો છે અને એક વિધાનસભામાં સીટ વધી છે. આ રીતે દિલ્હીમાં 250 વોર્ડમાં કાઉન્સિલરની ચૂંટણી યોજાશે. મતલબ કે કેજરીવાલ માટે અહીં જ્યાં આ ચૂંટણીમાં ભાજપ અગ્રેસર છે ત્યાં પણ ભાજપને હરાવવાનું છે અને ગુજરાતમાં જ્યાં 182 વિધાનસભા બેઠકોમાંથી 142 સામાન્ય અને અન્ય અનામત બેઠકો છે ત્યાં પણ ભાજપને ટક્કર આપવાની છે. મતલબ કે તારીખો અને બેઠકોના ગણિત વચ્ચે કેજરીવાલ જાણે ક્યાં અને એકલા હાથે કેટલી દીશામાં દોડવું તે મુશકેલ બની જશે.
આપની અન્ય ઉચ્ચ નેતાગીરીની મદદ કેટલી આવશે કામમાં?
સ્વાભાવીક રીતે કેજરીવાલ માટે બંને ચૂંટણીઓ મહત્વની છે, ભાજપે તો આ બંને ચૂંટણીઓમાં થતો ખેલ માત્ર નિહાળવાનો જ છે તેવી સ્થિતિ છે. જેને કારણે કેજરીવાલની મદદે ભગવંત માન, મનિષ સિસોદિયા, સંજય સિંઘ, રાઘવ ચઢ્ઢા જેવા કદાવર નેતાઓને સતત દોડાદોડમાં લાગવું પડશે તે પણ નક્કી છે. પરંતુ આ નેતાઓ ગુજરાતમાં સભા ગજવી નાખે અને નરેન્દ્ર મોદી, અમિત શાહ જેવા નેતાઓને પડકાર ફેંકી બતાવે તેવું ચિત્ર આભાસી બની શકે છે. આ તરફ સ્થાનીક નેતાઓમાં આમ આદમી પાર્ટી પાસે ઘણા જાણીતા ચહેરાઓ છે, જેમાં હાલમાં મુખ્યમંત્રી ફેસ તરીકે પાર્ટીએ જાહેર કરેલા ઈશુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથિરિયા, મહિપતસિંહ ચૌહાણ, યુવરાજસિંહ જાડેજા છે પરંતુ આ બધા મોટા ભાગે આંદોલન દરમિયાનના નેતાઓની છાપ ધરાવે છે. બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસ બંનેમાં સ્થાનીક લેવલ પર વર્ષોથી કામ કરી ચુકેલા ભુપેન્દ્ર પટેલ, નીતિન પટેલ, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, સી આર પાટીલ, હિમાંશુ પટેલ સહિતના નેતાઓનું તો લાંબુ લિસ્ટ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કક્ષાના સ્ટાર પ્રચારકોને આ કારણે બંને તરફી મહેનત તો કરવી જ રહી, પણ આ મદદે આવેલા નેતાઓની છાપ મતદારો પર કેજરીવાલ જેટલી પડશે કે તેમ તે કહેવું મુશ્કેલ છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીનો મુખ્ય ચહેરો બનીને ફરતા રહેવું કેજરીવાલને અહીં નડી શકે તેમ છે. ગુજરાતમાં પણ એક મોકો કેજરીવાલને એવી રીતે જ કેમ્પેઈન ચલાવાઈ રહ્યું છે. શક્ય હતું કે એક મોકો આમ આદમી પાર્ટીને કરી શકાય પરંતુ પાર્ટી પર નહીં ચહેરા પર મત માગવાનો ખેલ અહીં ગળામાં ફસાયેલા હાડકા સમાન ન બને તેની તકેદારી પણ આપ દ્વારા રાખવી જ રહી.
ADVERTISEMENT