ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો મેળવી છે. મોટા ભાગના નેતાઓ જંગી લીડ સાથે જીત્યા છે જેથી મંત્રી મંડળમાં કોને કોને સમાવવા તે બાબત પર ભાજપને વિચાર વિમર્શ કરવો વધ્યો છે. હવે જ્યારે ગાંધીનગરમાં ધારાસભ્ય દળની બેઠક મળી હતી ત્યારે ત્યાં હાજર ધારાસભ્ય સંગીતા પાટીલે મંત્રી પદ મળશે કે કેમ તે અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
સંગીતા પાટીલની બેઠક પર મત ઘણા તૂટ્યા
સુરતની લિંબાયત બેઠક પરથી આ ચૂંટણી દરમિયાન ભાજપના જુના જોગી સંગીતા પાટીલે 95 હજાર મતો મેળવ્યા હતા. તેમની સામે કોંગ્રેસના ગોપાલ પાટીલે 29 હજાર અને આપના પંકજ તાયડેને 37 હજાર મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ બેઠક પરથી તેમને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ છે. જોકે આ બેઠક પર નાના-મોટા ગણીને કુલ 44 ઉમેદવારોએ ચૂંટણી જંગ લડ્યો અને લગભગ દરેકને 74થી લઈને 5 હજાર સુધી મતો મળતા ઘણા મતો તૂટ્યા છે.
મંત્રી પદ અંગે સંગીતા પાટીલે શું કહ્યું
ધારાસભ્ય સંગીતા પાટીલે ગુજરાત તક સાથેની ખાસ વાતચિત દરમિયાન કહ્યું કે, આજે જ્યારે ગુજરાતમાં ભાજપની જંગી જીત થઈ છે. ઉમેદવારો જંગી લીડ સાથે જીત્યા છે ત્યારે હું મતદાતા ભાઈઓ બહેનોનો આભાર માનવા માગું છું. નરેન્દ્ર મોદી અને સી આર પાટીલની કામગીરી સરાહનીય રહી છે. સી આર પાટીલે જે પેજ કમિટિની રચના કરી તે રચના અમને ખુબ કામમાં નિવડી છે. ગુજરાતમાં ત્રીજો પક્ષ સ્વીકાર્ય રહ્યો નથી, ગુજરાતમાં ભાજપ જ ચાલશે. પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે કામ કરતા આવ્યા છીએ. સતત બે ટર્મથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવી છું. મારા મતદાતાઓ કે મને મંત્રી પદની કોઈ અપેક્ષા નથી પણ જો પાર્ટી નક્કી કરશે તો અમે તે નિર્ણયને શિરોમાન્ય ગણીશું.
ADVERTISEMENT