અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને આમ આદમી પાર્ટીનું એવું નડતર નડ્યું કે કોંગ્રેસ પાસે હતી તેના કરતાં વધુ ગુમાવવાનું થયું છે. કોંગ્રેસે આ વખતે અમદાવાદમાં પોતાના કાર્યાલય બહાર રાખેલી પરિવર્તનની ઘડિયાળને કોંગ્રેસના જ કાર્યકરો દ્વારા તોડી નાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જ્યારથી પાર્ટીએ ટિકિટ વહેંચણી કરી ત્યારથી ઘણા કાર્યકરો નારાજ ચાલી રહ્યા હતા.
ADVERTISEMENT
ઘડિયાળ કેમ મુકાઈ?
ગુજરાતમાં લગભગ અમુક જ આંગળીએ ગણી શકાય તેટલા જ નેતાઓ હશે કે જેઓ કોઈ પ્રકારની માન્યતાઓ વગર જીવન ગાળતા હશે. ચૂંટણીમાં ફોર્મ ભરવાથી લઈ શપથ લેવા સહિતના કામોમાં ચોઘડિયા અને માન્યતાઓને આધારે કરતા હોય છે. ગુજરાત કોંગ્રેસ પણ એક ઘડિયાળને ઘણી લકી ઘડિયાળ માને છે.ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદ સ્થિત ઓફિસ પર ઉંધા આંકડા ગણતી ઘડિયાળ મુકવામાં આવી હતી. જે ઘડિયાળને તેઓ પરિવર્તનની ઘડિયાળ માને છે. કોંગ્રેસનું કહેવું હતું કે જેવું આ ઘડિયાળમાં 12 વાગશે કે તે સાથે ભાજપના સત્તામાંથી 12 વાગી જવાના છે અને ભાજપની સરકાર જાય છે તથા કોંગ્રેસની સરકાર આવે છે. જોકે આજે 8 ડિસેમ્બરે જ્યારે મતદાનના પરિણામ સામે આવ્યા ત્યારે કોંગ્રેસ સહિત તમામ પક્ષો માટે ઘણા માઠા સમાચાર લઈને આવ્યા હતા.
8 ડિસેમ્બરે ઘડિયાળ બંધ, ભાજપ સત્તાવિહીન થશેઃ કોંગ્રેસે કહ્યું હતું
એક માન્યતા પ્રમાણે એવું કહેવાય છે કે આ એ જ ઘડિયાળ છે જેમાં 12 વાગતા વાજપેયી સરકાર ગઈ હતી. આ ઘડિયાળનો 12 નો આંકડો ગુજરાત કોંગ્રેસ લકી માને છે. અમદાવાદના કોંગ્રેસના મુખ્ય કાર્યાલય પર આ ઉંધી ગણતરીઓ ગણતી પરિવર્તન ઘડિયાળ લગાવવામાં આવી હતી. કોંગ્રેસે થોડા સમય પહેલા વિધિવત્ આ ઘડિયાળનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમ્ દ્વારા આ ઘડિયાળનું પોતાના હાથે ઉદ્ઘાટન કર્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે આ ભાજપનું કાઉન્ટડાઉન છે અને ભાજપની છેલ્લી ઘડીઓ ઘણે છે. આગામી 8 ડિસેમ્બરના રોજ આ ઘડિયાળ બંધ થશે. તે વખતે ગુજરાતમાં પરિવર્તન આવશે અને કોંગ્રેસની સરકાર સ્થપાશે તેવો દાવો કોંગ્રેસ કરી રહી હતી. પરંતુ પરિણામ આશાઓ કરતાં વિપરિત આવતા કોંગ્રેસના જ કાર્યકરો ગીન્નાયા હતા અને આ ઘડિયાળને તોડી નાખી હતી.
ADVERTISEMENT