Gujarat Budget: હોસ્પિટલમાં આધુનિક સુવિધાથી લઈને નવી એમ્બ્યુલન્સ સુધી… આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગ માટે 20,100 કરોડની જોગવાઈ

નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું બજેટ કર્યું રજૂ નાણામંત્રી દ્વારા હેલ્થ માટે કરાયા મોટા એલાન આરોગ્ય ક્ષેત્રે 20,100 કરોડની જોગવાઇ Gujarat Budget 2024-25: ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી…

gujarattak
follow google news
  • નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું બજેટ કર્યું રજૂ
  • નાણામંત્રી દ્વારા હેલ્થ માટે કરાયા મોટા એલાન
  • આરોગ્ય ક્ષેત્રે 20,100 કરોડની જોગવાઇ

Gujarat Budget 2024-25: ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતના નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું છે. આજે નાણામંત્રી દ્વારા ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી દ્વારા ગરવી, ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 3.32 લાખ કરોડથી વધુનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું છે.

‘અમારી સરકાર લોકોના તંદુરસ્ત અને ગુણવત્તાસભર જીવન માટે કટિબદ્ધ’

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, બજેટમા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 20,100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. “સર્વે સન્તુ નિરામયા:”ની ભાવના સાથે અમારી સરકાર લોકોના તંદુરસ્ત અને ગુણવત્તાસભર જીવન માટે કટિબદ્ધ છે. અમારી સરકારે આરોગ્ય ક્ષેત્રે માળખાકીય સગવડો સુદ્રઢ કરવા ઉપર ભાર મૂકેલ છે. પ્રાથમિક આરોગ્યથી માંડી સ્પેશિયાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા તથા ચેપી અને જીવનશૈલીના કારણે થતાં રોગોના સામે લોકોને આરોગ્યલક્ષી સારવાર ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ છે. માતૃ અને બાળ કલ્યાણ ઉપર આગામી વર્ષના બજેટમાં વધુ ભાર મૂકી તેમના આરોગ્ય અને પોષણ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવેલ છે. વિવિધ યોજનાઓ દ્વારા ગુજરાતના લોકોના આરોગ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ કરવા ચાલુ વર્ષના 15, 181 કરોડના બજેટમાં 32.40%નો નોંધપાત્ર વધારો કરી આગામી વર્ષ માટે 20,100 કરોડની જોગવાઇ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે સૂચવું છું.

– પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત એમ્પેનલ થયેલ 2531 ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 10 લાખ સુધીની કેશલેસ સારવાર આપવા માટે 3110 કરોડની જોગવાઇ.
– મેડીકલ કોલેજો અને હોસ્પિટલ સાથે ત્રિ-સ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રોના બાંધકામ અને સાધનો સહિત સુવિધાઓ સુદ્રઢ કરવા માટે 2308 કરોડની જોગવાઇ.
– G.M.E.R.S. સંચાલિત મેડીકલ હોસ્પિટલોના બાંધકામ, રખરખાવ અને સંચાલન માટે 1000 કરોડની જોગવાઇ.
– આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ 4200 કરોડના ખર્ચે શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત 350 કરોડની જોગવાઈ.
– સરકારી મેડીકલ કોલેજો અને તેની સંલગ્ન હોસ્પિટલો, એમ. એન્ડ જે. ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી, અમદાવાદ તેમજ સ્પાઇન ઇન્સ્ટીટ્યૂટ, અમદાવાદમાં નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે 100 કરોડની જોગવાઇ.
– એમ્બ્યુલન્સની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા માટે 108 ઇમરજન્સી સેવા હેઠળ 319 નવી એમ્બ્યુલન્સ માટે 76 કરોડની જોગવાઇ.
– યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ માટે તબીબી સાધનો ખરીદવા અને માળખાકીય સગવડ માટે 60 કરોડની જોગવાઇ.
– માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય તે હેતુસર હાઈરિસ્ક ધરાવતી સગર્ભા મહિલાઓની સંસ્થાકીય પ્રસૂતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરી સારવાર આપવા તેઓને 15 હજાર તેમજ આશા બહેનોને 3 હજારની પ્રસૂતિદીઠ પ્રોત્સાહન રકમ આપવા અંગેની નવી યોજના દાખલ કરવાનું સરકારે નક્કી કરેલ છે. જેના માટે 53 કરોડની જોગવાઈ.
– ગાંધીનગર, રાજકોટ અને સુરત ખાતે સઘન કાર્ડિયાક સારવાર મળી રહે તે માટે યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યૂટ, અમદાવાદના સહયોગથી કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરુ કરવા માટે 40 કરોડની જોગવાઇ.
– મેડીસિટી, અમદાવાદ ખાતે ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટીટ્યુટ અને પેરાપ્લેજીયા હોસ્પિટલના વિસ્તૃતિકરણ અને મુક-બધીર દિવ્યાંગો માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના અર્થે 10 કરોડની જોગવાઇ.
– અમદાવાદ જિલ્લામાં બાવળા નજીક તથા સુરત જિલ્લાના કામરેજ નજીક 300 બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા સરકારે નિર્ણય કરેલ છે. જેના માટે આગામી વર્ષ માટે 10 કરોડની જોગવાઇ.
– આયુષ સેવાઓ અદ્યતન બનાવવા આર્યુવેદિક કોલેજ અને હોસ્પિટલ, કોલવડાને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવામાં આવશે. આયુષ હેઠળના દવાખાનાઓ માટે કુલ 482 કરોડની જોગવાઇ.
– કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ 15 લાખથી વધુ કામદારોના પરિવારોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે 221 કરોડની જોગવાઇ.
– ખોરાક અને ઔષધ નિયમન પ્રભાગ માટે સુરત ખાતે નવી જિલ્લા કચેરી સાથે કુલ 87 કરોડની જોગવાઇ.

    follow whatsapp