Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની 26 લોકસભા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપે કેટલાક ઉમેદવારોને રિપીટ કર્યા છે, તો કેટલાકની ટિકિટ કાપી નાખી છે. અમરેલી બેઠક પરથી ભાજપે ભરત સુતરિયાને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર વર્તમાન સાંસદ નારણ કાછડીયાની ટિકિટ કાપીને ભરત સુતરિયાને મેદાનમાં ઉતારાયા છે. ત્યારે સાંસદ નારણ કાછડીયાની સોશિયલ મીડિયા પોસ્ટે ભારે ચર્ચા જગાવી છે. સાંસદ નારણ કાછડીયાએ પોસ્ટમાં શું લખ્યું છે ચાલો જાણીએ આ અહેવાલમાં....
ADVERTISEMENT
સાંસદની સો.મીડિયો પોસ્ટે જગાવી ચર્ચા
અમરેલી બેઠક પરથી ટિકિટ કપાયા બાદ સાંસદ નારણ કાછડીયાની એક પોસ્ટને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. કાછડીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર રામકથાકાર મોરારીબાપુનો વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોના કેપ્શન પર લખ્યું છે કે, કોઈ તમારી સાથે કપટ કરે તો પણ હસતા રહેજો.
કાછડીયાએ શેર કર્યા બે વીડિયો
સાંસદ નારણ કાછડીયાએ અન્ય એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં લખેલું છે કે ગીતામાં લખ્યું છે કે જ્યારે સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલું ઉભુ હશે અને અસત્યની ફોજ લાંબી હશે, કારણ કે અસત્ય પાછળ મૂર્ખાનું ટોળું હશે, પરંતુ વિજય સત્યનો જ થશે.
અમરેલીનું રાજકારણ ગરમાયું
સાંસદ નારણ કાછડીયાની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ અમરેલીનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણીના માહોલ વચ્ચે કાછડીયાનો કોના તરફ ઈશારો છે તે પણ ચર્ચાનો વિષય છે.
ઈનપુટઃ ફારુક કાદરી, અમરેલી
ADVERTISEMENT