અમદાવાદ: વર્ષ 2024માં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી જીતવા માટે ભાજપે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે, તો કોંગ્રેસે પણ વિપક્ષ સાથે ગઠબંધન કરી નવો પક્ષ INDIA બનાવ્યો છે. ગુજરાતમાં ભાજપની સ્થિતિ મજબૂત જોવા મળી રહી છે અને સર્વે મુજબ ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં 26 બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. જોકે શિસ્તબદ્ધ કહેવાતી ભાજપમાં ચૂંટણી પહેલા બધુ બરાબર નથી. એક બાદ એક ભાજપના જ નેતાઓ પાર્ટીના હોદ્દેદારો અને પદાધિકારીઓ એકબીજાના ટાંટિયા ખેંચી રહ્યા છે.
ADVERTISEMENT
15 દિવસમાં ભાજપના નેતાઓને બદનામ કરતી ઘટના
છેલ્લા 15 દિવસમાં જ એવી અનેક ઘટનાઓ બની છે, જેમાંથી બે ઉડીને આંખે આવી રહી છે. જેનાથી શિસ્તબદ્ધ કહેવાતી ભાજપમાં અંદરખાને બધું બરાબર ન હોવાના સંકેતો મળી રહ્યા છે. તાજેતરમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ તથા કેટલાક ધારાસભ્યોને બદનામ કરતા આક્ષેપ સાથે પેન ડ્રાઈવ અને પત્રિકા ભાજપના તમામ સાંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા-શહેર પ્રમુખોને પોસ્ટ મારફતે મોકલાઈ હતી. જેમાં આક્ષેપ કરાયો હતો કે, ‘પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાહેબે ભાજપના નેતાઓ પાસેથી ખાતાની ફાળવણી માટે મોટી રકમ લઈને ખાતાની વહેંચણી કરી છે. તેમજ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચલાવી રહેલા હોવાથી મોદી સાહેબ સંભાળી લો નહીંતર સી.આર પાટીલ પાર્ટીને ડુબાડી દેશે.’
ભાજપના નેતાએ પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ પોસ્ટ કરાવી પત્રિકા
પત્રિકા વાઈરલ થતા ભાજપના ચોર્યાસીના ધારાસભ્ય સંદિપ દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસ તપાસમાં દિપુ યાદવ અને ખુમાનસિંહની પૂછપરછમાં તેમણે ભરૂચ તથા પાલેજ રેલવે સ્ટેશને ટપાલ પેટીમાં પોસ્ટ કરી હોવાનું જણાવ્યું હતું. આ કવર પોસ્ટ કરવા માટે ભાજપના ઉમરપાડા તાલુકાના પ્રભારી અને તરસાડી નગરપાલિકાના માજી પ્રમુખ રાકેશ સોલંકીનું નામ આવ્યું હતું. રાકેશ સોલંકી ભાજપ નેતા ગણપત વસાવાના નિકટના પણ મનાય છે. સૂત્રો મુજબ, પત્રિકાકાંડ બહાર આવ્યા બાદ ખુદ ગણપત વસાવાએ કમલમનો રસ્તો પકડ્યો હતો અને સી.આર પાટીલ પાસે પહોંચીને માફી પણ માગી હતી.
વડોદરામાં મેયરને કોર્પોરેટરે બદનામ કરાવ્યા
તો થોડા દિવસો પહેલા વડોદરાના મેયર નિલેશ રાઠોડ અને તેમના ભાઈ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતી પત્રિકા પોસ્ટ દ્વારા ભાજપના હોદ્દેદારો તથા કોર્પોરેટરોને મળી હતી. જેમાં સીસીટીવી તથા અન્ય ટેકનિકલ પુરાવાના આધારે ધનશ્યામ લિંબાચિયા અને આકાશ નાયી વિરુદ્ધ ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછમાં ભાજપના શાસક પક્ષના નેતા અને કોર્પોરેટર અલ્પેશ લિંબાચીયાના કહેવાથી તેમણે આમ કર્યું હોવાનું સામે આવ્યું હતું. બાદમાં અલ્પેશ લિંબાચીયાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું.
એકબાજુ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં 156 સીટ જીતનારા ભાજપમાં પાર્ટીના જ નેતાઓ પોતાના પક્ષના હોદ્દેદારોને બદનામ કરી રહ્યા છે. બંને કિસ્સામાં પક્ષમાંથી જ પક્ષવિરોધી પ્રવૃત્તિ થતી રોકવી ભાજપ માટે પણ મોટો ટાસ્ક હશે.
ADVERTISEMENT