વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા 16 જાન્યુઆરી 2016ના રોજ શરૂ કરાવેલી નવતર પહેલ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અન્વયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે..
PM મોદીએ શરૂ કરાવી હતી પહેલ
નેશનલ સ્ટાર્ટઅપ-ડેના અવસરે નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ રેન્કિંગ-2022ના પરિણામોનું અનાવરણ કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કર્યું હતું. વડાપ્રધાને આત્મનિર્ભર ભારતના ધ્યેયને પાર પાડવા દેશમાં મજબૂત ઉદ્યોગ સાહસિક ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા આ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ પહેલ શરૂ કરાવેલી છે. આના પરિણામ સ્વરૂપે ભારત આજે વિશ્વમાં 1 લાખ 17 હજાર જેટલા માન્ય સ્ટાર્ટઅપ અને 111 યુનિકોર્ન સ્ટાર્ટઅપ ધરાવતું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બન્યું છે.
સતત ચોથીવાર મેળવ્યો એવોર્ડ
દેશના રાજ્યોમાં પણ ઈનોવેશન્સ અને ઉદ્યોગ સાહસિકતાને વધુ પ્રેરિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા વર્ષ 2018થી રાજ્યો માટે સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્ક શરૂ કરવામાં આવ્યું છે. આ ફ્રેમવર્ક અન્વયે તાજેતરમાં 2022ના વર્ષના રેન્કિંગ માટે DPIIT અને સ્ટાર્ટઅપ ઈન્ડિયાએ 33 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોનું 25 એક્શન પોઇન્ટ્સ આધારિત 7 નિર્ણાયક સુધારાઓના ક્ષેત્રોમાં મૂલ્યાંકન-એસેસમેન્ટ કર્યું હતું. આ મૂલ્યાંકનના જાહેર થયેલા પરિણામોમાં ગુજરાતે સતત ચોથી વાર બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનો એવોર્ડ મેળવ્યો છે. નવી દિલ્હીમાં આ એવોર્ડ ઉદ્યોગ વિભાગના વરીષ્ઠ અધિકારીઓ અને ટીમ ગુજરાતે સ્વીકાર્યો હતો. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યમાં સ્ટાર્ટઅપ કલ્ચરને વેગ આપવા ગુજરાતે પહેલરૂપ એવી સ્ટાર્ટઅપ પોલિસી 2015 લૉન્ચ કરેલી છે.
ગુજરાત સરકારે પૂરુ પાડ્યું છે પ્રોત્સાહન
રાજ્યમાં 9200થી વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ છે.એટલું જ નહીં, રાજ્ય સરકારે યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રારંભિક સ્તરે સહાય માટે રૂ. 1 હજાર કરોડના ભંડોળ સાથે ‘ગુજરાત યંગ એન્ટરપ્રેન્યોર્સ વેન્ચર ફંડ’ શરૂ કરીને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત સસ્ટેઇનન્સ એલાઉન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આસિસ્ટન્સ, મોનિટરીંગ આસિસ્ટન્સ અને માર્કેટીંગ એલાઉન્સ જેવી સુવિધા સહાય પણ આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સ્ટાર્ટઅપને વધુ વ્યાપક અને વેગવાન બનાવવા રાજ્ય સરકારે મહત્વ આપ્યું છે. તાજેતરમાં સંપન્ન થયેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024ની પ્રિ-વાઈબ્રન્ટ ઈવેન્ટરૂપે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ તથા વાઈબ્રન્ટ સમિટ દરમિયાન સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન સેમિનારનું પણ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત ચોથી વાર અગ્રેસર
ગુજરાતમાં શાળાકીય શિક્ષણ સ્તરેથી જ વિદ્યાર્થી યુવાઓમાં ઉદ્યોગ સાહસિકતા ક્ષમતા વિકસાવવા શિક્ષણ વિભાગે ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી 2.0’ લોન્ચ કરેલી છે. તેનાથી પણ સ્ટાર્ટઅપ માટે નવું વાતાવરણ ઊભું થયું છે. આ ઉપરાંત સાયન્સ એન્ડ ટેક્નોલોજી, બાયોટેક્નોલોજી, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ જેવા વિભાગો દ્વારા પણ સ્ટાર્ટઅપને પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારને સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામના સફળતાપૂર્વકના અમલીકરણ માટે 2017માં પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સેલેન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન પણ એનાયત થયેલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ‘આઇ ક્રિએટ’ દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકોને ઇન્કયુબેશન સપોર્ટ આપીને પણ રાજ્યમાં સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વધુ વ્યાપક બનાવવા પ્રતિબદ્ધ છે. આ બધાની ફલશ્રુતિએ ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત ચોથી વાર અગ્રેસર રાજ્ય બન્યું છે.