Gujarat ATS Operation: ગુજરાત ATSએ મહારાષ્ટ્રના ભીવંડી, નાડી નાકા ખાતેના એક ફ્લેટ પર દરોડો પાડીને બેરલમાં ભરેલું 10.969 કિલો સેમી-લિક્વિડ મેફેડ્રોન (MD) અને 782.263 કિલો લિક્વિડ મેફેડ્રોન (MD) જપ્ત કર્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 800 કરોડ રૂપિયા છે. આ ડ્રગ્સ બનાવવા માટે ગ્રાઇન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર જપ્ત કરવામાં આવ્યા છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાત ATS ને મળી મોટી સફળતા
મુંબઈના ડોંગરીના રહેવાસી મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓએ 800 કરોડની કિંમતનું 10.969 કિલોગ્રામ સેમી-લિક્વિડ મેફેડ્રોન (MD) અને 782.263 કિલો લિક્વિડ મેફેડ્રોન (MD) બેરલમાં પેક કર્યું હતું. મેફેડ્રોનનું ગેરકાયદે ઉત્પાદન કરવા માટે, બંને આરોપીઓએ છેલ્લા 9 મહિનાથી મહારાષ્ટ્રના ભિવંડી ખાતે એક ફ્લેટમાં ભાડે મકાન રાખ્યું હતું. મેફેડ્રોન (MD) બનાવવા માટે કાચો માલ અને અન્ય વસ્તુઓ એકત્ર કરીને રાસાયણિક પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
ATS આપી ખાસ જાણકારી
માહિતી આપતા ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, આરોપી મોહમ્મદ યુનુસ દુબઈથી સોના અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની દાણચોરીમાં સામેલ હતો. તે દુબઈ ગયો ત્યારે દુબઈમાં તેની મુલાકાત એક વ્યક્તિ સાથે થઈ. મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલે આ અજાણી વ્યક્તિ સાથે મળીને ગેરકાયદેસર રીતે મેફેડ્રોન (MD)નું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરીને આર્થિક લાભ મેળવવાનું આયોજન કર્યું હતું. મેફેડ્રોનના સેમ્પલ પણ ઘણી વખત ફેલ થયા હતા. બંને આરોપીઓ પૂછપરછ દરમિયાન દુબઈના વ્યક્તિ વિશે કોઈ માહિતી આપતા નથી. જેની તપાસ ચાલુ છે. આ બંનેને સહકાર આપનાર સાદિક નામના અન્ય વ્યક્તિની ભૂમિકા પણ પ્રકાશમાં આવી છે અને તપાસ ચાલી રહી છે.
સુરત સાથે આ કેસનું કનેક્શન
તમને જણાવી દઈએ કે 18 જુલાઈના રોજ ગુજરાત ATSએ સુરતના પલસાણાના કારેલી ગામમાંથી મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી હતી. આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી જ્યારે આરોપી સુનીલ યાદવની પૂછપરછ કરવામાં આવી ત્યારે મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલના નામ પણ સામે આવ્યા હતા. આ બે આરોપીઓની તપાસ દરમિયાન માહિતી મળી હતી કે મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ મહારાષ્ટ્રના ભિવંડીમાં ડ્રગ્સ બનાવે છે અને સપ્લાય કરે છે. જે બાદ ગુજરાત ATSએ એક ટીમ મોકલીને દરોડા પાડીને 800 કરોડના ડ્રગ્સ સાથે બંનેની ધરપકડ કરી હતી. ગુજરાત ATS હવે બંને આરોપીઓને રિમાન્ડ પર લઈ રહી છે અને માહિતી એકઠી કરી રહી છે કે મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ ક્યારે મેફેડ્રોન (MD) બનાવતા હતા, અત્યાર સુધી તેઓ મેફેડ્રોન (MD) ક્યાંથી સપ્લાય કરતા હતા. ગેરકાયદેસર રીતે મેફેડ્રોન (MD) બનાવવા માટે તેમને નાણાકીય સહાય કોણ આપી રહ્યું હતું?
ADVERTISEMENT