પંચમહાલઃ કાલોલ બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ પર હુમલો થયાની વાતને લઈને છેલ્લા કેટલાક કલાકોથી વિસ્તારમાં ભારે ઉહાપોહ મચ્યો છે. ભાજપના નેતા કાર્યકરોએ હુમલો કર્યો હોવાની વિગતો પ્રારંભીક રીતે સામે આવતા તંત્રમાં દોડાદોડ મચી ગઈ હતી. જોકે કોંગ્રેસ ઉમેદવાર પ્રભાતસિંહે પોતાને ખ્યાલ નથી કે ટોળું ભાજપનું હતું કે નહીં, મારે ફરિયાદ કરવી નથી તેવું કહેતા જ આખા હાઈ વોલ્ટેજ ડ્રામા પછી જાણે પાણીમાં બેસી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.
ADVERTISEMENT
ફતેસિંહ પર શંકા છે પણ ફરિયાદ કરવી નથી
પ્રારંભિક માહિતી અનુસાર ઘોઘંબાના ગોંદલી ગામે પ્રભાતસિંહ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. બુથ એજન્ટ સાથે થયેલી માથાકુટ પછી સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે પોલીસે તુરંત એક્શનમાં આવીને પ્રભાતસિંહને એક તરફ કરીને તેમને સુરક્ષા આપી હતી. સાથે જ તેમને સુરક્ષિત રાજગઢ પોલીસ મથકે લઈ આવી હતી. જોકે આ મામલે પ્રભાતસિંહે કહ્યું હતું કે મને ફતેસિંહ પર શંકા છે પરંતુ મારે ફરિયાદ કરવી નથી.
પ્રભાતસિંહે જાણો શું કહ્યું…
પ્રભાતસિંહ ચૌહાણે આ મામલે કહ્યું હતું કે, ચૂંટણીનો દિવસ હતો એટલે હું રાઉન્ડ પર નિકળ્યો હતો, ઘોઘંબાના ગોંદલી ગામમાં બોગસ વોટિંગની વાત મળી હતી. હું ત્યાં ગયો ત્યારે ફતેસિંગનો માણસ ભાગી ગયો. પછી બહારના ટોળા હતા તેમને હું ઓળખતો નથી તે અંદર અંદર ઝઘડ્યા અને પછી ભાજપના કે કોંગ્રેસના હું ઓળખતો નથી. તેમણે મારા ગાડીના કાચ તોડી નાખ્યા. પોલીસે મને રક્ષણ આપ્યું. મને કોઈ ઈજા થઈ નથી. મને ફતેસિંહ પર શંકા છે. ત્રણ ટુકડીઓ ત્યાં ફરતી હતી. મારે ફરિયાદ નથી નોંધાવી.
(વીથ ઈનપુટઃ શાર્દુલ ગજ્જર, ગોધરા)
ADVERTISEMENT