હિરેન રવૈયા/અમરેલી: સરકાર દ્વારા અનેક જાગૃતતા દાખવવા છતાં લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે. અમરેલીમાં હજારો, લાખો નહીં પણ કરોડો રૂપિયાની છેતરપીંડીનો ભોગ બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાસણની દુકાનમાં કામ કરતા યુવાનના ID પ્રૂફ મેળવીને GST નંબર મેળવીને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી નાખ્યા બાદ ભોગ બનનાર યુવાન સરકારી કચેરીઓમાં ધરમના ધક્કા ખાઈ રહ્યો છે પણ ન્યાય નથી મળતો.
ADVERTISEMENT
યુવકના GSTથી 7 કરોડનું વેચાણ થયું
અમરેલીના રાજકમલ ચોકમાં પી.સી.સ્ટીલ સેન્ટર પર નોકરી કરતા ચંદ્રેશ પ્રમોદભાઈ સંઘવી 8 થી 10 હજારમાં પોતાના કાકાના વાસણની દુકાનમાં નોકરી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. એકાદ મહિના પહેલા ચંદ્રેશ સંઘવીના કાકાના મોબાઈલમાં ઈન્કમ ટેક્સ વિભાગનો મેસેજ આવ્યોને યુવાનની પગ નીચેની ધરતી સરકી ગઈ. યુવાનના કાકાના મોબાઈલમાં ઈન્કમ ટેક્સ વિભાગના પોર્ટલ પરથી એ.આઇ.એસ.નામનું ફોર્મ ડાઉનલોડ કરીને એડવાન્સ ટેક્ષ પેટે ભરવા જણાવાયું, જેમાં 7 કરોડ, 89 લાખ, 44 હજાર 306 રૂપિયાનું ચંદ્રેશ સંઘવી દ્વારા વેચાણ કરવામાં આવ્યું હોવાનું બતાવતા યુવાનની આંખો ચાર થઈ ગઈ.
વાસણની દુકાનમાં કામ કરે છે યુવક
ચંદ્રેશ સંઘવી તો માત્ર વાસણની દુકાનમાં કામ કરે છે. જ્યારે ચંદ્રશ સંઘવી કે એમના કાકા વાસણનો નાનો વેપાર છે અને NIL ઈન્કમટેક્સ આવતો હોવાથી ક્યારેય ઇન્કમ ટેક્ષ પણ ભર્યો નથી. ત્યારે આ આવડું મોટું ટ્રાન્ઝેક્શન ક્યાં અને કોણ કર્યું તે અંગે તપાસ કરવાથી જાણવા મળ્યું કે મહારાષ્ટ્ર, તમિલનાડું અને ગુજરાતમાં 7 જગ્યાએ કોઈ અજાણ્યા ઇસમો દ્વારા જુદા જુદા GST નંબર ચદ્રેશ સંઘવીના ID પ્રૂફના લઈને ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે. જેમાંથી હાલ 5 ઈનએક્ટિવ અને 2 એક્ટિવ બતાવી રહ્યા છે. ચંદ્રેશ સંઘવી દ્વારા અમરેલી GST કચેરી, ભાવનગર GST કમિશ્નર, અમરેલી સિટી પોલીસ, સાયબર પોલીસ સહિતના વિભાગોમાં રૂબરૂ જઇને ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતા ચંદ્રેશ સંઘવી ભાંગી પડ્યો હતો.
પૂરાવા આપવા છતાં આરોપીઓ સામે નથી થતી કાર્યવાહી
આધારકાર્ડ, પાનકાર્ડમાં મોબાઈલ નંબર ફેરવીને ખોટી કંપનીઓ ઊભી કરીને પેઢીના માલિક ચંદ્રેશ સંઘવીને બતાવીને કરોડો રૂપિયાના GSTનું કૌભાંડ કરીને સરકારની આંખમાં ધૂળ નાખવાનું કાવતરું કોઈ અજાણ્યા શખ્સોએ કર્યું હોવાનું પ્રથમ દ્વષ્ટિએ જણાતા ચંદ્રેશ સંઘવી નામનો યુવક છેક મુંબઈ GST કચેરી સુધી ધક્કા ખાઈ આવ્યો. પણ કોઈ GST ફ્રોડનો ભોગ બનેલા યુવકનું સંભળાતું નથી. ત્યારે આવડી મોટી કરોડો રૂપિયાની રકમના ટ્રાન્ઝેકશન અંગે યુવક હજુ ગડમથલ અનુભવી રહ્યો છે. ત્યારે વાસણની દુકાનના માલિક દ્વારા સમગ્ર GST નંબર ફ્રોડ રીતે મેળવીને GST રકમની ચોરી કરીને સરકારની આંખોમાં ધૂળ નાખનારા તત્વો અંગે આઇ.ડી.પ્રૂફ આધારે ટ્રુ કોલરમાં ફ્રોડ કરેલા કાળા કામના કરનારના ફોટો સાથેના પ્રૂફ પોલીસ અને GST વિભાગને આપવા છતાં હજી સુધી કોઈ નક્કર કામગીરી એકપણ તંત્રે કરી ના હોવાનો વસવસો વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT