Banaskantha News: ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદ સક્રિય થયો છે. છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં વીજળી પડવાની ઘટનામાં દાદા-પૌત્રનું કરુણ મોત થયું હતું સાથે જ ગાયનું પણ મોત થયું હતું. જેના પગલે પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
ADVERTISEMENT
ખેતરમાં પૌત્રને તેડીને ઊભા હતા દાદા
વિગતો મુજબ, પાલનપુરમાં આવેલા ફતેપુર ગામમાં વીજળી પડવાની ઘટના બની હતી. ખેતરમાં ગુલબાજી ઠાકોર પોતાના 3 વર્ષના પૌત્ર મિતાંશને તેડીને ઊભા હતા. આ દરમિયાન જ વીજળી પડી હતી તેમના પર વીજળી પડતા ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનામાં બંનેની બાજુમાં જ ઊભેલી ગાયનું પણ મોત થયું હતું. દાદા-પૌત્ર અને ગાયનું એક સાથે મોત થઈ જતા ફતેપુર ગામમાં અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આણંદમાં ઝાડ પડતા એક્ટિવા ચાલક દંપતીનું મોત
ખાસ છે કે, આ પહેલા આણંદમાં પણ ગઈકાલે વરસાદના કારણે ઝાડ પડવાની દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા. આણંદના સો ફૂટ રોડ પર એક્ટિવા લઈને જઈ રહેલ દંપતી પર ઝાડ પડતા દંપતીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. ઘટનાને પગલે લોકો દોડી આવી ઝાડ નીચે દબાયેલ દંપતીને કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા આણંદ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી ઝાડ કાપી મૃતદેહને બહાર કાઢયા હતા. અને ફાયર બ્રિગેડ દ્વારા ઝાડ કાપી રસ્તો ખુલ્લો કરાયો હતો.
(ઈનપુટ: ધનેશ પરમાર, બનાસકાંઠા)
ADVERTISEMENT