હેતાલી શાહ/નડિયાદ: ગાંધીના ગુજરાતમા દારૂબંદી છે. છતાંય ઠેર ઠેર દારૂનુ વેચાણ થઈ રહ્યું છે. કાં તો કોઈ પાર્ટીના કાર્યકર કાં તો ગ્રામપંચાયતના સભ્ય. ખેડા જીલ્લામાં આવેલ ચકલાસી પોલીસે બાતમીના આધારે રેડ કરી બે લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂ ઉત્તરસંડા ગ્રામ પંચાયતનો સભ્ય અને સમાજ સેવક તરીકે પોતાને ઓળખાવતો વ્યક્તિ જ તેનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા ગ્રામ પંચાયતના સભ્યની અને અન્ય એક ઈસમની અટક કરવામાં આવી છે.
ADVERTISEMENT
પોલીસને બાતમી મળતા કરી તપાસ
ખેડા જીલ્લા પોલીસ જીલ્લામા પ્રોહીબીશન ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલીંગમા હતી દરમ્યાન ચકલાસી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, ઉત્તરસંડા ગામમાં જનતા નગરીમાં રહેતો ગ્રામપંચાયતનો સભ્ય અને પોતાને સામાજીક સેવક તરીકે ઓળખાવતો રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ ચંદુભાઈ વસાવા તેની ઉત્તરસંડા જનતા નગરી ચોતરા આગળ આવેલ સાવન કિરાણા નામની દુકાનમાં તથા ગામમાં રહેતા મનુભાઈ ડાયાભાઈ પરમારના ભાડે રાખેલા મકાનમાં વિદેશી દારૂ સંતાડીને તેનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે રાજુ વસાવાને સાથે રાખી તેની દુકાન ખોલવાનું કહેતા તેણે ચાવી ન હોવાનું કહીને તાળું તોડવાનું પોલીસને જણાવતા પોલીસે તાળું તોડીને અંદર તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
દુકાન અને ભાડાના મકાનમાં દારૂ
આ ઉપરાંત રાજુ વસાવાએ ગામમાં ભાડે રાખેલ મકાનના ખાટલાની પાછળ ગોદડીની નીચે સંતાડી રાખેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 2,01,300 ની કિંમતનો દારૂ તથા રૂપિયા 10,000 ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂપિયા 2,11,300નો મુદ્દામાલ જપ્ત કરી રાજેન્દ્ર ઉર્ફે રાજુ વસાવા તથા સાગર અશોકભાઈ પરમારની અટક કરી હતી. તો દારૂનો જથ્થો પૂરો પાડનાર અમદાવાદના યુનુસ બટકો નામના ઇસમની તપાસ હાથ ધરી છે.
આરોપી સામે અગાઉ પણ થયા છે કેસ
આ અંગે ઉત્તરસંડા ગ્રામપંચાયતના સરપંચ ઈશીત પટેલે જણાવ્યું કે, “ગઈકાલે રાત્રે મને પીએસઆઈનો ફોન આવ્યો હતો. અને ઉત્તરસંડા ગામમાં જે રેડ પડી હતી જ્યાં દારૂનો જથ્થો ઝડપાયો છે. લગભગ બે લાખ રૂપિયા ઉપરાંતનો છે. જેમાં રાજુ વસાવા કરીને જે વોર્ડ નંબર 8 નો મેમ્બર છે. આનો ગુનાહિત ઇતિહાસ છે. તેની પર બે-ત્રણ કેસ થયા હતા અને પોસ્ટના પૈસામાં ઉચાપત કરી અને એની સજા થયેલી છે. અને અત્યારે જામીન પર છે.
ઘર-દુકાનમાંથી 1533 બોટલો મળી
આ અંગે ચકલાસી પોલીસ મથકના પીએસઆઇ જે.એસ.ચંપાવતે જણાવ્યુ કે, “ગઈકાલે હું તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, ઉત્તરસંડા ગામમાં ગ્રામ પંચાયતનો ચાલુ સભ્ય રાજુ ઉર્ફે રાજેન્દ્ર વસાવા તે પોતાના ગામના તથા ભાડે રાખેલ મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલાની હકીકત મળી હતી. ત્યારે અમે પંચો સાથે રેડ કરતા તેની દુકાનમાં તથા ભારે રાખેલ મકાનમાંથી કુલ 1533 નાની મોટી અંગ્રેજી દારૂની બોટલો મળી આવી અને તેના વિરૂદ્ધમાં પ્રોહીબીશન એક્ટ હેઠક કાર્યવાહી કરવામાં આવેલી છે. આ દારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યો છે તે દિશામાં તપાસ ચાલુ છે. એ છૂટક વેપાર કરતો હતો, તે ખબર હતુ. પરંતુ આજ સુધીમાં તેની પાસેથી કંઈ પણ મળી આવ્યુ નહોતું. એટલે કોઈ કાર્યવાહી થઈ શકી નહોતી. જોકે પોલીસે હાલ 2 લાખ 11 હજાર 309 રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મહત્વનુ છે કે, ઉત્તરસંડા ગ્રામપંચાયતનો સભ્ય જ ગામમાં દારૂનો ધંધો ચલાવતો હોવાનું બહાર આવતા ચકચાર મચી છે. જોકે, રાજુ વસાવા ગુનાહિત ઇતિહાસ ધરાવવાની સાથે સાથે એટ્રોસિટીના ખોટા કેસ કરવાની ધમકીઓ આપી પૈસા પડાવતો હોવાનુ પણ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે.
ADVERTISEMENT