નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક વધતા નર્મદા ડેમના દરવાજા ખોલીને 5 લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે. અને આ લેવલે ડેમના જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ 8599.30 મિલીયન ક્યુબીક મીટર (MCM) જથ્થો નોંધાયેલ છે. છેલ્લા 34 દિવસથી દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા 34 દિવસમાં આશરે કુલ રૂ.161.76 કરોડની કિંમતનું વીજ ઉત્પાદન થયું છે.
ADVERTISEMENT
રોજ સરેરાશ 4 કરોડની કિંમતનું વીજ ઉત્પાદન
છેલ્લા 34 દિવસથી સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસના તમામ 6 યુનિટ મારફત વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વીજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119 મીટરે નોંધાયેલ હતી. સતત 34 દિવસથી રિવરબેડ હાઉસના 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ 24 કલાક સતત કાર્યરત સાથે ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ 4 કરોડની કિંમતનુ 20 મિલીયન યુનિટ વીજ ઉત્પાદન થઇ રહ્યું છે. આમ આજ સુધી 34 દિવસથી આશરે કુલ 150 કરોડનું વીજ ઉત્પાદન કરાયું છે.
50 મેગાવોટની ક્ષમતાવાળા 4 કેનાલ હેડમાં રોજનું 98 લાખનું વીજ ઉત્પાદન
આવી જ રીતે 50 મેગાવોટની ક્ષમતાવાળા 4 કેનાલ હેડ પાવર હાઉસ 12 ઓગષ્ટથી સતત કાર્યરત છે અને આજે હાલમાં સરેરાશ 98 લાખ રૂપિયાની કિંમતનું 4.8 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. અને દૈનિક સરેરાશ 17 હજાર ક્યુસેક પાણી વીજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે. જે સિંચાઇ અને પીવાના પાણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે. આમ કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા 12 દિવસમાં આશરે કુલ રૂ.11.76 કરોડની કિંમતનું વિજ ઉત્પાદન કરાયું છે.
જિલ્લાના તાલુકાઓને સાવધાન કરાયા
નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ નર્મદા ડેમની હાલની પરિસ્થિતિને અનુલક્ષીને જરૂરી અગમચેતીના પગલાનાં ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર સાબદુ કરાયું છે. તેમજ તિલકવાડા, ગરૂડેશ્વર અને નાંદોદ તાલુકા મામલતદાર સહિત સંબંધકર્તા તમામ વિભાગના અધિકારીઓને પુરતી તકેદારી અને સાવચેતી રાખવા સંદર્ભે જરૂરી સુચનાઓ પણ જિલ્લા વહિવટીતંત્ર તરફથી આપવામાં આવી છે. નિચાણવાળા કાંઠા વિસ્તારના સંભવત: અસરગ્રસ્ત ગામોના લોકોને નદીમા અવર-જવર ન કરવા તેમજ પશુઓની અવર-જવર ન થાય તે માટે સાવધ કરવામાં આવ્યાં છે. જિલ્લા પોલીસતંત્ર દ્વારા વાંસલા-ઇન્દ્રવર્ણા ડેમસાઈટ કિનારાના ગામમાં પોલીસ પેટ્રોલીંગ કરવા અને નદીકાંઠે કોઈ વાહન-વ્યક્તિ ન જાય તે જોવા તેમજ દત્તમંદિર ઓવારા ઓવરફ્લો હોઈ, રાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિ કિનારા ઉપર ન જાય તેની તકેદારી રાખવા તથા ડેમ ઓવરફ્લો થતાં સ્મશાન ઘાટ જવાના રસ્તે નદીમાં કોઈ વાહન ન જાય તેમજ બેરીકેટ બંધ રાખવા વગેરે જેવા સુરક્ષાના ભાગરૂપે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
ADVERTISEMENT