અમદાવાદ : ગેરરીતિ ડામવા રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના તમામ 248 ગોડાઉનમાં આશરે 6000 થી પણ વધારે કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક સરકારી વાહનની અવર જવર પર નજર રાખવામાં આવશે. એટલું જ નહીં જિલ્લા લેવલે આ કેમેરના મોનિટરિંગ સ્ક્રિન પણ લગાવી દેવામાં આવી છે. ત્યારે રાજ્ય લેવલે હેડ ઓફિસમાં સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ રૂમ તૈયાર કરાઈ રહ્યો છે. જ્યાં રાજ્યના તમામ ગોડાઉનનું મોનિટરિંગ કરવામાં આવશે.
ADVERTISEMENT
સરકારી ગોડાઉનમાંથી સગેવગે થતુ અનાજ અટકાવવા અને ગેરરીતિઓને નાથવા માટે અન્ન અને નાગરિક પુરવઠા નિગમ હવે આધુનિક સાધનોથી આ દુષણ સામે સજ્જ થશે. રાજ્યના પુરવઠા હસ્તકના તમામ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા લગાવાયા છે. જેનુ સીધુ મોનિટરીંગ ગાંધીનગર ખાતે બનનારા કમાંડ એંડ કંટ્રોલ સેંટરથી કરાશે.
સસ્તા અનાજમાં મોટાપાયે ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ હવે અંદાજે 100 કરોડના ખર્ચે રાજ્યના તમામ પુરવઠા વિભાગના ગોડાઉન પર સીસીટીવી કેમેરા લગાવાનુ કામ પુર્ણ થવાના આરે છે. ગોડાઉનમાં લગાવેલા કેમેરાનુ સીધુ મોનિટરીંગ ગોડાઉન મેનેજર અને જીલ્લા પુરવઠા અધિકારીની કચેરીથી થશે. ઉપરાંત ગાંધીનગર પુરવઠા નિગમની કચેરીમા પણ એક સેંટ્રલ કંટ્રોલ રૂમ તૈયાર કરાઈ રહ્યો છે.
જેમા દેશની બીજી સૌથી મોટી સ્ક્રીન લગાવાની તૈયારી કરાઈ રહી છે. જેમાં ગોડાઉનમાં આવતા વાહનો અને તેના જથ્થા પર નજર રખાશે.વધુમાં પુરવઠા વિભાગના વાહનોને પણ GPSથી સજ્જ કરાશે. જ્યા ગોડાઉનની તમામ હિલચાલ પર નજર રાખવામાં આવશે. ગત વર્ષે અંદાજે 50 હજાર બોરીમાંથી અંદાજે 2500 મેટ્રિક ટન જેટલો જથ્થો સગેવગે થયો હતો.
ADVERTISEMENT