ચૂંટણી સમયે આંદોલનો વચ્ચે ફસાઈ સરકાર, નવી પેન્શન યોજના મુદ્દે કર્મચારીઓનો ઊગ્ર વિરોધ

ભાર્ગવી જોશી/ જુનાગઢઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે રાજ્યભરમાં આંદોલનોનો દોર ચાલુ થઈ ગયો છે. તેવામાં આજે જુનાગઢમાં હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓએ સરકારની પેન્શન સ્કીમને…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી/ જુનાગઢઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે રાજ્યભરમાં આંદોલનોનો દોર ચાલુ થઈ ગયો છે. તેવામાં આજે જુનાગઢમાં હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓએ સરકારની પેન્શન સ્કીમને લઈને વિરોધ પ્રગટ કર્યો છે. આ દરમિયાન મોટી રેલી કાઢીને કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરના કર્મચારીઓ આ રેલીમાં જોડાયા હતા. તેમણે સરકારને જૂની પેંશન યોજના લાગૂ કરવા માટે ટકોર કરી છે અને જ્યાં સુધી માગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

વન કર્મચારી પછી સરકારી કર્મચારીઓનું આંદોલન
ગુજરાત રાજ્યમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવે છે તેમ આંદોલનોની સંખ્યા પણ વધી રહી છે. એક બાજુ વન વિભાગના તમામ કર્મચારીઓ તો બીજી બાજુ સરકારી કર્મચારીઓ પોતાની માગને સંતોષવા માટે આંદોલન કરી રહ્યા છે. આ દરમિયાન રવિવારે જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરના તમામ કર્મચારીઓ એકસાથે મળીને મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ત્યારપછી તેમણે રેલી કાઢીને પોતાની માગોને લઈને ઊગ્ર વિરોધ પ્રદર્શન હાથ ધર્યું હતું. જોકે આની પહેલા જુનાગઢના સરદાર બાગમાં એક સભાનું આયોજન કરાયું હતું ત્યારપછી તમામ કર્મચારીઓએ ભવ્ય રેલી કાઢી હતી. જેમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરાયા હતા.

કર્મચારીઓની મહત્ત્વપૂર્ણ માગ….

  • જૂની પેન્શન સ્કીમ લાગૂ કરવી
  • કાયમી ધોરણે જ ભરતી કરવી, કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવી
  • મેડિક્લેમમાં 10 લાખ સુધીની સુવિધા
  • પેન્શનની વય મર્યાદા 58ના સ્થાને 60 વર્ષ કરાય
  • આઉટસોર્સિંગના સ્થાને અનુભવી કર્મચારીઓની નિમણૂંક કરવી જોઈએ
  • મૃતકના વારસદારોને મોટી રકમ આપવા કરતા નોકરી આપવાની માગ
  • સાતમા પગાર પંચની બાકીની રકમ ચૂકવવામાં આવે

સરકાર નવી પેન્શન સ્કિમ લાગૂ કરવા જઈ રહી છે…
ઉલ્લેખનીય છે કે સરકાર હવે વર્ષોથી ચાલતી જૂની પેન્શન સ્કીમને બંધ કરીને નવી લાગૂ કરવા જઈ રહી છે. જેના કારણે કાયમી ધોરણે ભરતી કરવાથી લઈ સાતમા પગાર પંચને ઉમેરવા માટેની માગ સાથે કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. તેમની માગ છે કે જૂની પેન્શન સ્કીમ જ સરકાર લાગૂ કરે. જેના કારણે કર્મચારીઓને વધુમાં વધુ લાભ થાય. નવી સ્કીમમાં જે પ્રમાણે સરકારી કર્મચારીઓ કામ કરશે એટલું વળતર તથા પેન્શન તેમને નહીં મળે એવી ચર્ચા ચાલી રહી છે. લોકોના મત મુજબ જૂની સ્કીમ જ લાગુ કરીને વૃદ્ધાવસ્થામાં લોકો સુખમય જીવન પસાર કરે એની માગણી કરાઈ છે.

    follow whatsapp