ગાંધીનગર: શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા એક બાજુ માઈભક્તો અને હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે સરકાર તરફથી આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે અને મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં થાય મંદિરમાં ચિક્કીનો જ પ્રસાદ ચાલુ રહેશે તેમ કહેવામાં આવ્યું છે. સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે, મંદિરનો પ્રસાદ મીઠાઈ નથી કે જીભને સ્વાદિષ્ટ લાગે તે પ્રમાણે બને. આસ્થાના સ્વરૂપમાં પ્રસાદ વહેંચાય છે. મંદિર ટ્રસ્ટે જ ચિક્કીનો પ્રસાદ આપવાનું નક્કી કર્યું છે.
ADVERTISEMENT
મોહનથાળ બંધ કરવા પાછળનો તર્ક આપતા મંત્રીએ શું કહ્યું?
મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, મોહનથાળ લાંબો સમય સાચવી શકાતો નથી. જ્યારે ચિક્કી ત્રણ મહિના બગડતી નથી. તેથી વિદેશ પણ લઈ જઈ શકાશે. હાલમાં ચિક્કીનું વેચાણ પણ અગાઉ મોહનથાળના વેચાણ જેટલું જ થાય છે, તેથી સાબિત થાય છે કે આસ્થાના વિષયમાં આવી બાબતોનું કોઈ સ્થાન નથી. તેમણે આગળ ઉમેર્યું હતું કે, ચિક્કી સૂકામેવા, માવા અને શીંગદાણામાંથી બને છે. તેથી ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. મોહનથાળ અંગે લોકોની લાગણી હતી કે તેઓ આ પ્રસાદ અગિયારસ, પૂનમ કે નવરાત્રિના ઉપવાસમાં ખાઈ શકતા નથી.
વિશ્વ હિન્દુ પરિષદ સરકારના નિવેદનથી નારાજ
બીજી તરફ મંત્રી ઋષિકેશ પટેલના આ નિવેદન બાદ વિશ્વ હિન્દુ પરિષદમાં રોષ છે. VHPના ગુજરાત પ્રમુખ અશોક રાવલે કહ્યું કે, જૂના મંત્રીઓને કાઢીને નવા મંત્રીઓ આવ્યા છે અને તેઓ સમજે છે કે અમે સુપરપાવર છીએ. આજે તેઓ મનફાવે તેમ બોલે છે. તેઓની ચૂંટણી જીતવાની હેસિયત નથી. ચૂંટણી માંડ માંડ જીત્યા છે. નરેન્દ્ર મોદીના નામે જ સત્તા છે. સામાન્ય લોકોની લાગણીનો વિચાર કરવો જોઈએ નહીંતર સરકારનું ધનોતપનોત નીકળી જશે.
માઈભક્તોમાં ઘણા સમયથી નારાજગી
નોંધનીય છે કે, ગઈકાલે જ મંદિર પરિસરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરવા સામે વિરોધ કરવામાં આવ્યો હતો. બીજી તરફ માઈભક્તો પણ આ નિર્ણય સામે રોષમાં છે અને ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવા અંગે માગણી કરી રહ્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT