Chaitar Vasava News: ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી ફરાર હતા. આજે તેમણે પોતાના સમર્થકો સાથે પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. ચૈતર વસાવા પર વનકર્મીઓ પર હુમલાનો આરોપ છે. તેમના આત્મસમર્પણ બાદ ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઈટાલિયાએ કેટલાક વિસ્ફોટક ખુલાસા કર્યા હતા અને કહ્યું હતું કે, ચૈતર વસાવા અત્યાર સુધી ઘરે જ હતા.
ADVERTISEMENT
ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું ચૈતર વસાવા ક્યાં હતા
ગોપાલ ઈટાલિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં ડેડિયાપાડાની જનતાએ 1 લાખથી વધુ મત આપીને ચૈતર વસાવાની તાકાત બતાવી દીધી છે. આજે ચૈતર વસાવાને કોઈ શક્તિ પ્રદર્શનની જરૂર નથી. તેઓ લોક નેતા છે. જોકે એક મહિનાથી તેઓ ક્યાં હતા તે સવાલ પર ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ચૈતરભાઈએ સ્પષ્ટ જણાવ્યું છે કે દોઢ મહિનાથી તેઓ પોતાના ઘરે જ હતા, પરંતુ કોઈ આવ્યું જ નહીં તો તેઓ શું કરે. જોકે બાદમાં તેમણે કહ્યું, પોલીસવાળા આવતા હશે, ગયા હશે, ક્યારે ગયા ક્યાં ગયા મને ખબર નથી. પરંતુ તેમનું સ્પષ્ટ કહેવું છે કે આટલા દિવસથી તેઓ ઘરે જ હતા અને ઘરની અંદર રહિને તો પોતાનું કામ કરતા હતા. સરખી રીતે ચેક કોઈએ ન કર્યું હોય તો એમાં કોઈ શું કરે.
પોલીસ સમક્ષ હાજર થતા પહેલા ચૈતર વસાવાએ કહ્યું કે, મારા પર કેસ કરે, મારા પત્નીને પણ જેલમાં લઈ જાય. તે લોકોને કહેવા માગીએ છીએ કે આદિવાસી અમે શાંત છીએ. અમને શાંતિથી રહેવા દો. જ્યારે અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ પ્રોસેસ અને સરકારને અઘરું પડશે. પોલીસને પણ નમ્ર વિનંતી કરું છું. અમે તમને સરેન્ડર કરવા સામેથી આવ્યા છીએ.
કાર્યકરોને પોલીસ સાથે ઘર્ષણ ન કરવા સમજાવ્યા
એટલે કોઈપણ કાર્યકરોએ પોલીસ સાથે જીભાજોડીમાં નથી ઉતરવાનું કે ઘર્ષણમાં નથી ઉતરવાનું. આપણે સામેથી સરેન્ડર થવાનું છે અને સરેન્ડર થઈશું. હું ચૈતર વસાવા અને મારો પરિવાસ તમામ લોકોને ન્યાય અપાવવા છેલ્લે સુધી લડીશું. મને ગુજરાત અને દેશની ન્યાય પ્રણાલી પર પૂરો ભરોસો છે.
ADVERTISEMENT